પાણી ઊંડુ હોવાથી બાળકોને બચાવવામાં પરિવાર અસફળ રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતથી હરિદ્વાર ગંગા સ્નાન માટે પહોંચેલા શ્રદ્ધાળુ પરિવાર સાથે એક મોટો અકસ્માત થયો હતો. આ પરિવારના બાળકોની ગંગામાં ડૂબવાથી મોત થયું હતું. આ હ્રદયદ્વાવક અકસ્માત સવારે ઉત્તર હરિદ્વારના સંતમત ઘાટ પર થયો હતો.
ગુજરાતના તાપી જિલ્લાના બાજીપુરા ગામ નિવાસી વિપુલ પવાર પોતાના પરિવાર સાથે ગંગા દર્શન અને સ્નાન માટે હરિદ્વાર પહોંચ્યા હતા. સવારે ૧૦ વાગ્યે આખો પરિવાર ઉત્તર હરિદ્વારના પરમાર્થ ઘાટ પાસે સંતમત ઘાટ પર ગંગા સ્નાન કરી રહ્યા હતાં. સ્નાન દરમિયાન વિપુલ પવારની ૧૩ વર્ષની દીકરી પ્રત્યૂષા અને ૬ વર્ષનો દીકરો દર્શ અચાનક ગંગાના તેજ પ્રવાહમાં વહી ગયા. પરિવાર અને ઘાટ પર હાજર અન્ય શ્રદ્ધાળુ બાળકોને બચાવવા માટે દોડ્યા, પરંતુ પ્રવાહ વધુ હોવાના કરાણે અને પાણી ઊંડુ હોવાથી તે બચાવવામાં અસફળ રહ્યા. જોતજોતામાં બાળકો દેખાતા બંધ થઈ ગયાં.
સમગ્ર ઘટનાની માહિતી મળતા જ સપ્તઋષિ પોલીસ ચોકી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે નદીમાં શોધખોળ કરી બાળકોની શોધ કરી હતી. થોડી વાર બાદ બંનેને પાણીમાંથી બેભાન સ્થિતિમાં બહાર કાઢવામાં આવ્યા. બાદમાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બંનેને હરિદ્વાર જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતાં. હાલ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.