પિડીત મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેશોદ, તા.૧૨
જૂનાગઢના કેશોદમાં તાંત્રિક વિધિના નામે એક શખસે મહિલા પર દુષ્કર્મ આચર્યું અને માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના મામલે મહિલાએ પોલીસને જાણ કરતા કેશોદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
મળતી માહિતી મુજબ, જૂનાગઢના કેશોદ તાલુકાના પંચાલા ગામની મહિલા પર તાંત્રિક વિધિના નામે પંચાળા ગામના રણજીત પરમાર નામના શખસે મારામારી કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બાદ પોતાના પરિવારમાં જાણ કરી હતી અને કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટના અંગે પીડિતાએ જણાવ્યું હતું કે, સવારે 8 : 30 વાગ્યે અમે મજૂરી કામ માટે જઈ રહ્યા હતા, ત્યારે રોડ પર એ વ્યક્તિ ભેગા થયા હતા. જેમાં અન્ય મહિલાઓ પણ કઈક પૂછતી હતી, એટલે મે પણ આ વિધિ વિશે પૂછ્યું હતું અને પોતાના ઘરમાં સુખ-શાંતિ અને ધંધામાં વૃદ્ધિ માટે તાંત્રિક વિધિ કરવાની ઈચ્છાની વાત કરી હતી.
આ પછી તાંત્રિક વિધિનું કહીને એ વ્યક્તિ મારા ઘરે આવીને દિવો પ્રગટાવ્યો અને દરવાજો બંધ કરીને મને ઢોર માર માર્યો, પછી મારી પર દુષ્કર્મ કરીને તે જતો રહ્યો. પીડિતા પર દુષ્કર્મ આચર્યા બાદ આરોપી રણજીત પરમારે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને પીડિતાએ પોતાના ભાભી અને પતિને જાણ કરી હતી અને આ પછી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પીડિતા કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.