Last Updated on by Sampurna Samachar
તમિલ અને અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓને કંઈ મળતું નથી
સંસ્કૃતના પ્રચાર પાછળ ૧૭ ગણો ખર્ચ કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને હિન્દી મુદ્દે વિવાદ ઊભો કર્યા બાદ હવે સંસ્કૃત મુદ્દે વિવાદ ઉભો કર્યો છે. તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, ભાજપનો વાસ્તવિક હેતુ હિન્દીને મહોરું બનાવીને સંસ્કૃત થોપવાનો છે. સ્ટાલિને ખાનગી સમાચારને ટાંકીને કહ્યું કે, સંસ્કૃતિ ભાષાના પ્રચાર માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જ્યારે તમિલ અને અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓને કંઈ મળતું નથી.
ઉલ્લેખનીય છે કે, સ્ટાલીને ખાનગી સમાચારમાં છપાયેલા RTI અંગે અહેવાલને ટાંકીને કહ્યું છે કે, ‘૨૦૧૪-૧૫ થી ૨૦૨૪-૨૫ વચ્ચે સંસ્કૃતનો પ્રચાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય પાંચ શાસ્ત્રીય ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઓડિયાનો પ્રચાર કરવા માટે લગભગ ૧૪૭ કરોડ રૂપિયા જ ખર્ચ કર્યો છે. આવી સ્થિતિમાં સંસ્કૃતનો પ્રચાર કરવા પાછળ ૧૭ ગણો ખર્ચ કરવામાં આવ્યો છે.
તમિલનાડુમાં હિન્દીની મંજુરી નહીં આપીએ
તમિલનાડુના મુખ્યમંત્રીએ રિપોર્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘સંસ્કૃતને કરોડો રૂપિયા મળે છે, તમિલ અને અન્ય દક્ષિણ ભાષાઓને મગરમચ્છના આંસુ સિવાય કશું મળતું નથી.’ મુખ્યમંત્રી સ્ટાલિન અગાઉ પણ આવો જ વિવાદ ઉભો કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર પર આવા જ આક્ષેપો કરીને કહ્યું હતું કે, ‘ અમે હિન્દીને તમિલો પર લાદી દેવાનો વિરોધ કરીએ છીએ. હિન્દીના કારણે ઉત્તર ભારતની ૨૫થી વધારે ભાષા ખતમ થઈ ગઈ છે. તમિલનાડુમાં અમે હિન્દી ઠોકી બેસાડી દેવાની મંજૂરી નહીં આપીએ. અમે તમિલ સંસ્કૃતિની સુરક્ષા કરવાનો સંકલ્પ કર્યો છે.’