Last Updated on by Sampurna Samachar
DMDK કોઈપણ ગઠબંધનનો ભાગ નથી
રાજ્યમાં ૨૦૨૬માં ચૂંટણીઓ યોજાવાની
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનના નેતૃત્વમાં ૪૪ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચ સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. પક્ષોએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સામે આ પગલું લેવાનો ર્નિણય લીધો છે. રાજ્યમાં ૨૦૨૬માં ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલાં, આ પક્ષોએ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સુધારાને લોકશાહી વિરોધી ગણાવ્યું છે.

SIR વિરુદ્ધની બેઠકમાં કુલ ૪૪ પક્ષોએ ભાગ લીધો હતો. જેમાં દિવંગત અભિનેતા અને રાજકારણી વિજયકાંતની પાર્ટી DMDK પણ સામેલ થઈ હતી. જોકે, DMDK કોઈપણ ગઠબંધનનો ભાગ નથી. AIADMK અને BJP ને બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
TVK એ તેનો સખત વિરોધ કર્યો હતો
મીડિયા અહેવાલ મુજબ અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટી કઝગમ , એસ. રામદોસની PMK અને TTV પણ હાજર રહી ન હતી. તાજેતરમાં NDA થી અલગ થયેલા દિનાકરનની AMMK ને પણ બેઠકમાં આમંત્રણ મળ્યું હોવા છતાં હાજરી આપી ન હતી.
બેઠકમાં પસાર કરવામાં આવેલા એક પ્રસ્તાવમાં વિવિધ પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ રિવિઝનની પ્રક્રિયા રોકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, બિહારમાં આ પ્રક્રિયા સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટનો ર્નિણય હજુ સુધી આવ્યો નથી. પ્રસ્તાવમાં ચૂંટણી પંચ પર નિશાન સાધતા કેન્દ્ર અને ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની કઠપૂતળી ગણાવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ રિવીઝનથી લઘુમતી અને વિપક્ષ તરફ સોફ્ટ કોર્નર રાખતા મતદારોનો મત આપવાનો હક છીનવાઈ જશે.
અભિનેતા વિજયની પાર્ટી TVK એ સ્ટાલિનની બેઠકમાં હાજરી આપી ન હતી. જોકે, , TVK એ SIR ને કાનૂની પડકાર આપવાના સમર્થનમાં એક આકરું નિવેદન જાહેર કર્યું છે. TVK એ જણાવ્યું હતું કે અગાઉ, જ્યારે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ ઈલેક્ટોરલ રોલ રિવિઝન માટે નોટિફિકેશન રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે TVK એ તેનો સખત વિરોધ કર્યો હતો અને તેની પાછળના ઇરાદાઓ વિશે ચેતવણી આપી હતી.
બિહારમાં લાખો મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિપક્ષો સતત આરોપ મૂકી રહ્યા છે કે, ધાર્મિક લઘુમતીઓના મતદારો સહિત અમુક લોકોને મત યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સંબંધિત એક કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.