Last Updated on by Sampurna Samachar
અગાઉ પણ ટોલકર્મીઓ સાથે હુમલાની ઘટના બની ચૂકી છતાં સરકારની કોઇ સરક્ષા નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણાના ગુરુગ્રામ ટોલ પ્લાઝા પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ટોલ ચૂકવણીમાંથી છટકી જવા હરિયાણા રોડવેઝ બસના ડ્રાઈવરે ટોલ કર્મચારીને જ કચડી નાખ્યો હતો. જેના કારણે ટોલ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતી.
આ સમગ્ર મામલો ગુડગાંવ સોહના રોડ પર સ્થિત ગમરોજ ટોલ પર બન્યો હતો. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. હાલમાં ઘાયલ ટોલકર્મી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેની હાલત ગંભીર છે.
કેમેરામાં કેદ થયેલી ઘટના અનુસાર, ટોલ પ્લાઝા પર એક કાર ઉભી હતી. ટોલ પ્લાઝાના કર્મચારીની કાર ચાલક સાથે દલીલ થઈ રહી હતી. જોકે, થોડીવારમાં કાર ચાલક ટોલ પ્લાઝામાંથી બહાર નીકળે છે, ત્યાં જ કારની પાછળ ઉભેલી બસનો ડ્રાઈવર ટોલ ચૂકવવામાંથી છટકવા ભાગવાનો પ્રયાસ કરે છે. અને ટોલ પ્લાઝા પર ઉભેલા ટોલકર્મીને ટક્કર મારીને ભાગી જાય છે.
ગુરુગ્રામ પોલીસે હરિયાણા રોડવેઝના ડ્રાઈવર વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. જોકે, ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે કે કેમ તે અંગે માહિતી મળી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ ટોલ કર્મચારીને વાહન દ્વારા કચડી નાખવામાં આવ્યો હોય. અગાઉ પણ અનેક વખત ટોલ કર્મચારી સાથે દલીલ કરતી વખતે હુમલો થયો હોવાની ઘટના બની છે. તેમ છતાં સરકાર ટોલ પ્લાઝાના કર્મચારીઓની સુરક્ષાને લઈને કોઈ મોટા પગલાં લઈ રહી નથી.