Last Updated on by Sampurna Samachar
તાલિબાનના હાલના ર્નિણયો પાકિસ્તાનના હિતોની વિરુદ્ધ
હવે પાકિસ્તાનમાં જ સવાલ ઉઠવા લાગ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુદ્ધના મેદાનમાં પહેલા ભારત અને પછી હવે અફઘાનિસ્તાન તરફથી મળી રહેલી પછડાટથી પાકિસ્તાન અકળાયું છે અને હવે તે ભારત પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર ભરોસો કરવો મુશ્કેલ છે. તાલિબાનના હાલના ર્નિણયો પાકિસ્તાનના હિતોની વિરુદ્ધ છે અને તેમની પાછળ ભારતનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.
આસિફે આક્ષેપ કરતા કહ્યું કે તાલિબાન હવે પાકિસ્તાન વિરુદ્ધ ભારતની પ્રોક્સી વોર લડી રહ્યું છે. તેમના ર્નિણયો ભારતથી પ્રાયોજિત છે. આ કારણે સંઘર્ષવિરામ લાંબો સમય ટકશે નહીં. પાકિસ્તાનના રક્ષામંત્રીએ દાવો કર્યો કે અફઘાનિસ્તાનની જમીનથી પાકિસ્તાન પર થઈ રહેલા આતંકી હુમલાઓમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આતંકીઓએ પાકિસ્તાનની સુરક્ષા ચોકીઓ પર હુમલા વધાર્યા છે અને તાલિબાન સરકારે તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં ભર્યા નથી.
ભારત પર પાકિસ્તાનના આરોપ કોઈ નવા નથી
આસિફે એમ પણ કહ્યું કે પાકિસ્તાને અનેકવાર કૂટનીતિક ચેનલો દ્વારા અફઘાનિસ્તાન સાથે વાતચીત કરી પરંતુ તાલિબાન ‘પાડોશી દેશની ચિંતાઓ ગંભીરતાથી લેતું નથી.‘ ખ્વાજા આસિફનું કહેવું હતું કે મને આશંકા છે કે આગળ સીઝફાયર રહેશે કે કેમ કારણ કે તાલિબાન હાલ તમામ ર્નિણયો ભારતના ઈશારે લઈ રહ્યું છે. મુત્તકી સાહેબ (અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તકી) ત્યાં એક અઠવાડિયા સુધી રહ્યા અને હવે પાછા આવ્યા.
તેઓ ત્યાંથી શું પ્લાન લઈને આવ્યા છે. મારા મતે હાલ કાબુલ દિલ્હીની પ્રોક્સી વોર લડી રહ્યું છે. હાલના સમયમાં બંને દેશો વચ્ચે સંબંધ સતત બગડી રહ્યા છે. પાકિસ્તાને અનેકવાર અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદને રોકવાની માંગણી કરી છે. ટીટીપી અને અન્ય આતંકી સંગઠનોની ગતિવિધિઓ પાકિસ્તાનના કબાયલી વિસ્તારોમાં ફરીથી વધી છે. જેનાથી ઈસ્લામાબાદની ચિંતાઓ વધી છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે તાલિબાન અને પાકિસ્તાન વચ્ચેનો આ તણાવ દક્ષિણ એશિયામાં સુરક્ષા અસંતુલન વધારી શકે છે. જ્યારે ભારત પર પાકિસ્તાનના આરોપ કોઈ નવા નથી. પાકિસ્તાન અગાઉ પણ અનેકવાર ભારત પર અફઘાનિસ્તાનમાં પ્રભાવ વધારવાના આરોપ લગાવતું રહ્યું છે. જોકે ભારતે હંમેશા આવા દાવા ફગાવ્યા છે.
પ્રોક્સી વોરનો અર્થ થાય છે કે એવું યુદ્ધ જે કોઈ દેશ દ્વારા સીધે સીધુ ન લડાતું હોય પરંતુ તેના માટે બીજા સમૂહ કે દેશ દ્વારા તે લડાતું હોય. સરળ ભાષામાં કહીએ તો લડાઈ કોઈ બીજાની હોય પરંતુ ફાયદો કોઈ ત્રીજાને પહોંચતો હોય.