Last Updated on by Sampurna Samachar
સાવકા પિતાએ બે સગીર દીકરીઓને ગર્ભવતી બનાવી
આરોપી નરાધમને પોક્સો હેઠળ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરતા, આ કિસ્સાથી ચીખલી પંથકમાં ચકચાર મચી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારીના ચીખલી તાલુકામાં સાવકા પિતાએ પોતાની બે સગીર દીકરીઓ પર વારંવાર દુષ્કર્મ આચરી, બંનેને ગર્ભવતી બનાવી છે. આરોપી પિતા લિવ-ઈનમાં રહેતો હતો અને દીકરીઓને લાકડા લેવા જંગલમાં લઈ જઈ કુકર્મ કરતો હતો. પોલીસ પોક્સો હેઠળ તપાસ કરી રહી છે.સંબંધોને લાંછન લગાવતી ઘટના હાલ ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં એક યુવકે પોતાની બે સાવકી દીકરીઓ પર હવસ સંતોષ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

નરાધમ સાવકા બાપે હવસ સંતોષવા માટે બંને દીકરીઓને લાકડા લેવાના બહાને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો, જેના કારણે બંને દીકરીઓ ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલાને પોલીસે ગંભીરતાથી લઈ, આરોપી નરાધમને પોક્સો હેઠળ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરતા, આ કિસ્સાથી ચીખલી પંથકમાં ચકચાર મચી હતી.
૨ મહિનાની ગર્ભવતી હોવાનું ખુલ્યું
માનવતાને શરમાવે તેવી ઘટના ચીખલી તાલુકાના એક ગામમાં બનેલી છે. જ્યાં ૧૨ વર્ષની નાની દીકરીને અચાનક પેટમાં ભારે દુખાવો થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવતા, સોનોગ્રાફી રિપોર્ટમાં આ દીકરી ૫ મહિનાની ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા.
આ રિપોર્ટ સામે આવતા જ દીકરીનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ત્યારે નાની દીકરીની હાલત જોઈ, ૧૩ વર્ષની મોટી દીકરી પણ ભાવુક થઈ ગઈ હતી અને તેણે પોતાના સાવકા પિતાની કાળી કરતૂતનો ભાંડો ફોડી આખી હકીકત બહાર પાડી હતી. બાદમાં મોટી દીકરીની પણ મેડિકલ તપાસ કરાવતા તે પણ ૨ મહિનાની ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ઘટના અંગે વધુ વિગતો આપતા નવસારી જિલ્લા નાયબ પોલીસ અધીક્ષક ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, પોલીસ તપાસમાં આ દીકરીઓ તેના જ સાવકા પિતા અનિલભાઈ અમૃતભાઈ રાઠોડથી ગર્ભવતી થઈ છે. ભોગ બનનાર દીકરીઓની માતાએ અન્ય યુવક સાથે પહેલા લગ્ન કર્યા હતા, જે દરમિયાન તેને ચાર સંતાન પ્રાપ્ત થયા હતા. જો કે કોઈ કારણસર તે છૂટાછેડા લઈ બાળકો સાથે આરોપી અનિલ રાઠોડ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. તે સમયે અનિલ રાઠોડે આ બે સગીર વયની સાવકી દીકરીઓ પર વારંવાર દુષ્કર્મ આચરતા તે હાલ ગર્ભવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
વધુમાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા સામે આવ્યું કે, રાત્રિના સમયે અથવા જંગલમાં લાકડા લેવા જવાના બહાને આરોપી પિતા બંને માસૂમ દીકરીઓને એકાંતમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આ ઘટના લાંબા સમયથી ચાલી રહી હોવાની શક્યતા છે, જેને લઈ પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ત્યારે આ ઘટના સમાજ માટે એક ગંભીર ચેતવણી સમાન થઈ છે. જ્યાં ઘરના અંદર જ સુરક્ષા મામલે પ્રશ્નચિહ્ન ઊભા થઈ રહ્યા છે.