Last Updated on by Sampurna Samachar
ભારતીય ક્રિકેટ ટીમ અને ઇંગલેન્ડ સામેની T20 સિરીઝ શરૂ થવા જઇ રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમ આ મહિને ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચની T20 શ્રેણી રમશે, જે ૨૨ જાન્યુઆરીથી શરૂ થવા જઇ રહી છે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં લગભગ તમામ મુખ્ય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલા, પસંદગીકારો આ શ્રેણીમાં કેટલાક મોટા ખેલાડીઓ પર નજર રાખશે, જેમાંથી એક સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ છે. ગયા વર્ષે તેણે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે. જોતે ઇંગ્લિશ ટીમ સામે ત્રણ વિકેટ લેવામાં સફળ થાય છે, તો તે ઇતિહાસ રચશે અને સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દેશે, જેમણે ઇંગ્લેન્ડ સામે ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે. ચહલે ઈંગ્લેન્ડ સામે ૧૧ T30 આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૧.૧૨ ની સરેરાશથી ૧૬ વિકેટ લીધી છે, જ્યારે હાર્દિકે અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ સામે ૧૪ વિકેટ લેવામાં સફળતા મેળવી છે.
ઈંગ્લેન્ડ સામેની આ શ્રેણી માટે, BCCI એ હાર્દિકના સ્થાને સ્પિનર અક્ષર પટેલને ટીમના નવા વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો. ટીમે તેની ઉપલબ્ધતા અને ઈજાને કારણે આ ર્નિણય લીધો. તમને જણાવી દઈએ કે હાર્દિક જૂન ૨૦૨૪ માં રોહિત શર્માના નિવૃત્તિ પહેલા અને પછી ભારતનો કેપ્ટન રહી ચૂક્યો છે, તેને ભારતની T20 ટીમનું નેતૃત્વ કરવા માટે એક મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો. તેમની પાસેથી કેપ્ટનશીપ તો છીનવી લેવામાં આવી જ, સાથે જ ઉપ-કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી. તેમના સ્થાને, શુભમન ગિલને જુલાઈ ૨૦૨૪ માં શ્રીલંકા સામેની ત્રણ મેચની શ્રેણી માટે ભારતના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
હાર્દિકે અત્યાર સુધીમાં ૧૦૯ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૭.૮૭ ની સરેરાશથી ૧૭૦૦ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી ચાર અર્ધશતક આવ્યા છે. બોલિંગની વાત કરીએ તો, હાર્દિકે અત્યાર સુધીમાં ૨૬.૬૩ ની સરેરાશથી ૮૯ વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેમનો ઇકોનોમી રેટ ૮.૧૮ રહ્યો છે.