Last Updated on by Sampurna Samachar
ભારતને જીત અપાવવામાં જેમિમા રોડ્રિગ્સ, સ્મૃતિ મંધાના અને તિતાસ સાધુનું મહત્વનું યોગદાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની સિરીઝ રમાઈ રહી છે. સિરીઝનો પ્રથમ મુકાબલો નવી મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાયો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ૪૯ રને પરાજય આપ્યો છે. લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. મેચમાં ભારતની જીત અપાવવામાં જેમિમા રોડ્રિગ્સ, સ્મૃતિ મંધાના અને તિતાસ સાધુનું મહત્વનું યોગદાન રહ્યું હતું.
બેટિંગ કરતા જેમિમા રોડ્રિગ્સે ૩૫ બોલમાં ૯ ચોગ્ગા અને ૨ સિક્સની મદદથી ૭૩ રનની ઈનિંગ રમી હતી. રોડ્રિગ્સ રન આઉટ થઈ હતી. તો બોલિંગ કરતા તિતાસ સાધુએ ૪ ઓવરમાં ૩૭ રન આપી ભારત માટે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો, જે તેના માટે ખોટો સાબિત થયો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૧૯૫-૪ રન બનાવ્યા હતા. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ માટે કરિશ્મા રામહરૈકે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
ભારત તરફથી સ્મૃતિ મંધાના અને ઉમા છેત્રીએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૫૦ રનની ભાગીદારી કરી હતી. ઉમા છેત્રી ૨૬ બોલમાં ૪ ચોગ્ગા સાથે ૫૦ રન બનાવી આઉટ થઈ હતી. તો સ્મૃતિ મંધાનાએ ૩૩ બોલમાં ૭ ચોગ્ગા અને બે સિક્સ સાથે ૫૪ રન બનાવ્યા હતા. જ્યારે જેમિમાએ ૩૫ બોલમાં ૯ ચોગ્ગા અને બે સિક્સ સાથે ૭૩ રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય રિચા ઘોષએ ૧૪ બોલમાં ૨ ચોગ્ગા અને એક સિક્સ સાથે ૨૦ રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર ૧૧ બોલમાં ૧૩ અને સંજીવન સંજના ૧ રન બનાવી અણનમ રહી હતી.