સિક્કિમ સામેની મેચમાં બરોડાએ ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૩૪૯ રન બનાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રેકોર્ડ હંમેશાં તૂટવા માટે જ બનતા હોય છે. ક્રિકેટમાં રોજ ઘણા રેકોર્ડ તૂટે છે અને ઘણા નવા બને છે. ત્યારે T20 ક્રિકેટમાં કંઈક એવું થયું જે પહેલા ક્યારેય બન્યું ન હતું. હાર્દિક પંડ્યા વિના રમતી બરોડાની ટીમે સિક્કિમ સામે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સિક્કિમ સામેની મેચમાં બરોડાએ ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૩૪૯ રન બનાવ્યા હતા. જે T20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલા T20 નો વર્લ્ડ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો જેણે આ વર્ષે ઓક્ટોબરમાં ગામ્બિયા સામે ૪ વિકેટે ૩૪૪ રન બનાવ્યા હતા. હવે T20માં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બરોડાના નામે છે.
બરોડાની ટીમ હાર્દિક પંડ્યા અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા વગર સિક્કિમ (બરોડા વિ સિક્કિમ) સામે આવી હતી. ટીમે પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. બરોડા તરફથી ભાનુ પાનિયાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ભાનુએ ૫૧ બોલમાં ૧૫ સિક્સર અને ૫ ચોગ્ગાની મદદથી અણનમ ૧૩૪ રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૨૬૨.૭૫ હતો. ચાર બેટ્સમેનોએ ૫૦ કે તેથી વધુ રન બનાવ્યા. શિવાલિક શર્મા ૫૫ રન બનાવીને આઉટ થયો હતો જ્યારે અભિમન્યુ સિંહે ૫૩ રનનું યોગદાન આપ્યું હતું. વિકેટકીપર વિષ્ણુ સોલંકી ૫૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
બરોડાની ટીમે સિક્કિમ સામે કુલ ૩૭ સિક્સ ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સિક્કિમના બોલરો બરોડાના બેટ્સમેનો સામે લાચાર દેખાતા હતા. આ પહેલા ઝિમ્બાબ્વે અને ગેમ્બિયા વચ્ચેની મેચમાં ૨૭ સિક્સર ફટકારવામાં આવી હતી. તે મેચની સરખામણીમાં બરોડાના બેટ્સમેનોએ વધુ ૧૦ સિક્સર ફટકારી હતી. બરોડાના પાંચ બેટ્સમેનોએ ૨૦૦થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રથમ વખત કોઈ ટીમે ૩૦૦નો આંકડો સ્પર્શ કર્યો છે.
બરોડાએ આ મેચમાં સિક્કિમને ૨૬૩ રનથી હરાવ્યું હતું. ૩૫૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સિક્કિમની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૮૬ રન જ બનાવી શકી હતી. સિક્કિમ માટે રોબિન લિમ્બુએ સૌથી વધુ ૨૦ રન બનાવ્યા જ્યારે અંકુરે ૧૮ રનની અણનમ ઇનિંગ રમી. સિક્કિમ તરફથી માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. બરોડા તરફથી મહેશ અને એનએ રાથવાએ બે-બે વિકેટ લીધી હતી.