Last Updated on by Sampurna Samachar
વધુ વરસાદ પડશે તો ડેમમાંથી વધુ પાણી છોડવું પડશે
લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથ જિલ્લા અને ઉપરવાસ ગીરના જંગલ વિસ્તારમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે ગીર જંગલમાં આવેલો હિરણ-૨ ડેમ તેની સંપૂર્ણ સંગ્રહ સપાટીએ ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની સતત આવકને નિયંત્રિત કરવા અને ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા ડેમના ૫ દરવાજા ૦.૧૦ મીટર ખોલવામાં આવ્યા છે. જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. હજુ પણ ભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ પર છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેની સીધી અસર વેરાવળની દેવકા નદી પર જોવા મળી છે. નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ઐતિહાસિક મંદિર ફરી એકવાર સંપૂર્ણપણે જળમગ્ન
હવામાન વિભાગની આગાહી મુજબ, જો ગીરના જંગલ વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેશે તો ડેમમાંથી વધુ પાણી છોડવાની ફરજ પડી શકે છે. આ સંજોગોમાં, વેરાવળ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની પ્રબળ આશંકા છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા નદી કિનારાના અને શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સાવચેતીના તમામ પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં અને ઉપરવાસ ગીરના જંગલોમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.
સૂત્રાપાડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીના કિનારે આવેલું ભગવાન માધવરાયનું ઐતિહાસિક મંદિર ફરી એકવાર સંપૂર્ણપણે જળમગ્ન થયું છે.
સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાનો સૌથી વધુ ૨૦૪ મિલીમીટર (૮ ઇંચ) વરસાદ નોંધાયો છે. આ ધોધમાર વરસાદને કારણે સરસ્વતી નદીમાં ભારે પૂર આવ્યું છે, જેના પાણી સીધા મંદિર પરિસર અને ગર્ભગૃહમાં ફરી વળ્યા છે.