Last Updated on by Sampurna Samachar
મુંબઈમાં તાડદેવમાં ૧૯૬૩ માં સ્વાતિ સ્નેક્સની શરૂઆત
અમદાવાદમાં લો ગાર્ડન અને આંબલી રોડ પર બ્રાન્ચ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્વાદ રસિકો માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મુંબઈ તેમજ અમદાવાદ શહેરની ઓળખ સમા સ્વાતિ સ્નેક્સ (Swati Snacks) ના સ્થાપક આશાબેન ઝવેરીનું લાંબી માંદગી બાદ ૭૯ વર્ષની વયે નિધન થયું હતું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાંબી માંદગી બાદ નિધન થયું હતું અને તે જ દિવસે વર્લી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મુંબઈમાં તાડદેવમાં ૧૯૬૩ માં સ્વાતી સ્નેક્સની શરૂઆત આશાબેન ઝવેરીના માતા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ લગભગ ૫૦ વર્ષ બાદ નરીમન પોઈન્ટમાં તેની બ્રાન્ચ ખોલવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટનું ઓપન કિચન, જ્યાંથી રસોઈ બનતી જોઈ શકાય છે અને ઘર જેવું જ ભોજન તેની ઓળખ બની ગઈ. આ જ માહોલ અમદાવાદની લો ગાર્ડન અને આંબલી રોડ બ્રાન્ચમાં પણ જોવા મળે છે.
ઘણાં પ્રયાસો બાદ સ્વાતિ સ્નેક્સ મુંબઇની ઓળખ બન્યું
આશાબેન ઝવેરીનો જન્મ અને ઉછેર મુંબઈના એક ગુજરાતી વેપારી પરિવારમાં થયો હતો. તેમના માતા એક કુશળ ગૃહિણી હતા અને તેમને પરંપરાગત વાનગીઓ બનાવવાનું પસંદ હતું. આથી તેમણે પોતાના રસોડાથી સ્વાદિષ્ટ નાસ્તા બનાવીને સ્વાતિ સ્નેક્સની સ્થાપના કરી. ધીમે ધીમે આ પ્રયાસ એક રેસ્ટોરન્ટમાં ફેરવાઈ ગયો પરંતુ ૧૯૮૯ માં આશાબેનના માતાનું અવસાન થયું અને ઘરની સૌથી મોટી દીકરી હોવાને કારણે, આશાબેને સ્વાતિ સ્નેક્સની જવાબદારી પોતાના ખભા પર લીધી. તેમના નોંધપાત્ર પ્રયાસોથી સ્વાતિ સ્નેક્સ મુંબઈની ઓળખ બની ગયું.
વર્ષ ૧૯૭૯માં આશાબેન ઝવેરીએ માતાના અવસાન પછી કોઈ વ્યાવસાયિક તાલીમ વગર જ, માત્ર દ્રઢ નિશ્ચય અને સહજ વૃત્તિથી ફેમિલી બિઝનેસમાં પ્રવેશ કર્યો. જેમાં તેમણે મુંબઈના એક સામાન્ય ચાટ સ્ટોલને મુંબઈના લોકોની પ્રિય જગ્યા બનાવી દીધી. આ માટે આશાબેને સ્ટોલની કામગીરીને સુવ્યવસ્થિત કરીને મેનુને નવજીવન આપ્યું. આ બધા ફેરફાર કરતી વખતે તેમણે સ્વાતિ સ્નેક્સની ઓળખ અને તેના સ્વાદને પણ જાળવી રાખ્યો. આશાબેને વ્યક્તિગત રીતે દરેક ડીશનું પરીક્ષણ કર્યું, તેમના કિચનને આધુનિક બનાવ્યું અને ખાતરી કરી કે આ પરિવર્તન બાદ પણ દરેક ડીશ તેના મૂળ સાથે જોડાયેલી રહે.