Last Updated on by Sampurna Samachar
૮ સાધુઓએ દલાલ પાસેથી પોણા બે લાખ રૂપિયા પડાવી લીધા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડતાલ સ્વામિનારાયણ જેવું મંદિર બનાવવાનું કહી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પાસેથી રૂપિયા ૧.૫૫ કરોડની ઠગાઈ કરતા CID ક્રાઈમ બ્રાન્ચે ૩ સ્વામીઓની ધરપકડ કરી હતી, જેમાં અમદાવાદ ગ્રામ્ય અદાલતે પોલીસને ૧ દિવસના રિમાન્ડ આપ્યા છે.
થોડા મહિનાઓ અગાઉ આણંદ જીલ્લામાં ૮ લોકો વિરૂદ્ધ CID ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં CID ક્રાઈમે સ્પેશિયલ GPID કાયદા હેઠળ જયકૃષ્ણ ગુરૂ શ્રીનિવાસદાસ ઉર્ફે જે.કે.સ્વામી, સુરેશ તુલસીભાઈ ઘોરી, વિજયપ્રકાશદાસ ગુરૂ સ્વામી મોહનપ્રકાશદાસજી ઉર્ફે વી.પી.સ્વામીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ માગતા ૧ દિવસના મંજૂર થયા છે.
સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, પકડાયેલા આરોપીઓએ ઠગાઈ માટે પહેલા આયોજન કર્યુ હતું. તેઓ વડતાલ સ્વામીનારાયણ મંદિરના નૌતમ સ્વામીના શિષ્યો છીએ અને મંદિરને લીંબ અને પોઈચા જેવું અને ગૌશાળા બનાવવા ૫૦૦ વીઘા જમીન ખરીદવાની છે. આ માટે ફંડીગ વિદેશથી આવશે. જો તમે તેમાં રોકાણ કરો તો વધુ લાભ થશે. આ કરીને ૮ સાધુઓએ દલાલ પાસેથી પોણા બે લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે, હજુ ઘણી મોટી રકમ આરોપીઓ પાસેથી કઢાવવાની છે.
CID ક્રાઈમ બ્રાન્ચ કરોડોની ઠગાઈમાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આટલા સમયથી કોણે ઠગોને આશરો આપ્યો હતો. કેટલા લોકોએ અમદાવાદ, રાજકોટ, સુરત, નડિયાદમાં છેતરપિંડી કેસમાં નાણાનો ગેરલાભ લીધો છે, કોને કેટલા ટકા હિસ્સો મળશે વગેરેની સમગ્ર વિગતો મેળવવાનો ક્રાઈમ બ્રાન્ચ પ્રયાસ કરશે.
રાજકોટના જસ્મીન માઢકે સ્વામી સામે કુલ ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ઠગાઈ મંદિર માટે જગ્યા જોઈએ છે તેમ કહી કરવામાં આવી હતી. ૫૧૦ વીઘા જમીન ફરિયાદીને બતાવીને રોકાણની લાલચ આપવામાં આવી હતી. તેમાં સુરેન્દ્રનગર, વિરમગામ,સુરતમાં પણ સ્વામીઓ સામે ફરિયાદ થઇ છે. વડતાલમાંથી હકાલપટ્ટી કરેલા સ્વામી સહિત ૮ સામે ફરિયાદ થઇ હતી. જેમાં જસ્મીન માઢકે જે તે વખતે રૂપિયાની લેતી દેતીના વીડીયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યા હતા. સ્વામીની ટોળકીઓ દ્વારા અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યા હોવાની અલગ અલગ ફરિયાદો છે. સ્વામીની ગેંગના લોકો જમીન વેચનાર ખેડૂત અને દલાલ બંને ટોકન અપાવે અને પૈસા આખી ગેંગ વચ્ચે વેચતાનો આક્ષેપ છે. જેમાં સુરતમાં ૨ નડિયાદ, આણંદ, વિરમગામમાં પાંચ ગુનામાં સ્વામીઓ વોન્ટેડ હતા.