Last Updated on by Sampurna Samachar
અંદાજે રૂપિયા ૧૫ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો
મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઊંઝામાં કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઊંઝામાં એક મોટી કાર્યવાહી કરતા શંકાસ્પદ જીરું અને વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. તંત્ર દ્વારા મળેલી બાતમીના આધારે ઊંઝા મામલતદાર કચેરી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી, જ્યાં જીરા અને વરિયાળી પર અખાદ્ય પદાર્થોનું પ્રોસેસિંગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા.

રેડ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ તે જોઈને ચોંકી ગયા હતા કે જીરા અને વરિયાળીને આકર્ષક દેખાવ આપવા માટે તેના પર મોટા પ્રમાણમાં અખાદ્ય વ્હાઇટ પાવડરનું કોટિંગ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી આ ઘાતક પાવડરનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.
સમગ્ર પંથકના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ
આ રેડ દરમિયાન આરોગ્ય વિભાગે અંદાજે રૂપિયા ૧૫ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ૯ લાખની કિંમતની શંકાસ્પદ વરિયાળી અને ૬ લાખની કિંમતનું શંકાસ્પદ જીરુંનો સમાવેશ થાય છે. અધિકારીઓએ આ તમામ જથ્થો સીલ કરીને નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીથી સમગ્ર પંથકના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.