Last Updated on by Sampurna Samachar
વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ
મૃતકના પરિવારજનોએ અત્યંત ગંભીર આક્ષેપ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડનગરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે .આ ઘટનાને પગલે આક્રોશિત પરિવારે જ્યાં સુધી જવાબદાર શખ્સો સામે પોલીસ ફરિયાદ FIR દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોતીપુરા ગામે એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

મૃતક યુવક બનાસકાંઠાના વાલપુરા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પરિવારજનોએ અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે કે, યુવક પર વાયર ચોરીનો ખોટો આરોપ મૂકી તેને ર્નિદયતાપૂર્વક મૂઢ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે આક્રોશિત પરિવારે જ્યાં સુધી જવાબદાર શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
FIR વગર મૃતદેહ સ્વીકારવાની મનાઈ
હોસ્પિટલ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિવારની માંગ છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવે.
બીજી તરફ, પોલીસ આ મામલે શંકાસ્પદ મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જોકે, પરિવારે આક્ષેપ કર્યો છે કે યુવકના શરીર પર ઈજાના નિશાનો દેખાઈ રહ્યા છે, જે તેને ઢોર માર માર્યો હોવાની સાબિતી આપે છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાના મક્કમ નિર્ધારને કારણે હાલમાં તંત્ર મુંઝવણમાં મુકાયું છે.