Last Updated on by Sampurna Samachar
આઠ શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંદાજે ૩થી ૪ કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી જિલ્લાના હળવદ GIDC વિસ્તારમાં પ્રતિબંધિત ગૌમાંસ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે જીવદયાપ્રેમીઓના વિરોધ વચ્ચે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આઠ શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હળવદ પોલીસ ઇન્સ્પેક્ટરે આ મામલે કડક વલણ અપનાવી આરોપી સામે કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

મળતી વિગતો અનુસાર, હળવદ GIDC માં આવેલી રોશની ફૂડ કેમ્પ કંપનીના મજૂર ક્વાર્ટરના ધાબા પર પ્રતિબંધિત ગૌમાંસ હોવાની બાતમી વીએચપી અને જીવદયાપ્રેમીઓને મળી હતી. આ બાતમીના આધારે પોલીસને સાથે રાખીને દરોડો પાડવામાં આવતા મજૂર ક્વાર્ટરના ધાબા પરથી અંદાજે ૩થી ૪ કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ખાવાના ઉપયોગ માટે રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો
આ મામલે હળવદ પોલીસમાં અલીમ ફકીરશા, આમીન સૈયદ, યુનુસઅલી સૈયદ, સલમાબેન રાજઅલી, રુક્ષાર આમીન, અનીસા નાઈદરસીદ, ઈકબાલ જમાલ ખાટકી અને યાસીન રહીમ ઘાંચી સામે ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાને પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ હળવદ પોલીસે પરિસ્થિતિને વણસતા અટકાવી હતી. હળવદ પીઆઈ આર.ટી. વ્યાસે જણાવ્યું હતું કે, ‘પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરનાર સામે પોલીસ લાલ આંખ કરશે. કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.‘ તેમણે ગુનેગારોને કડક સૂરમાં ચેતવણી આપતા ઉમેર્યું કે, ‘કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે.‘ પોલીસે જપ્ત કરેલો જથ્થો FSL માં તપાસ માટે મોકલી આપ્યો છે અને આરોપીઓની ધરપકડ માટેની તજવીજ તેજ કરી છે.