Last Updated on by Sampurna Samachar
નીતિશ કુમારને મળ્યા અમિત શાહ
ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારની મુલાકાતે આવી ગયા. તેઓ પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારને મળ્યા હતા અને આ મુલાકાત લગભગ ૨૦ મિનિટ ચાલી હતી. આ બેઠક દરમિયાન ચૂંટણી તૈયારીઓ અંગે ચર્ચા થઈ હતી. જોકે, NDA માં સીટ-વહેંચણી વ્યવસ્થાને પહેલાથી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તે મુજબ, ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (યુનાઇટેડ) ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે.
અમિત શાહે જણાવ્યું કે, NDA નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારની ચૂંટણી લડી રહ્યું છે, પરંતુ તેમણે હજુ સુધી મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે કોઈ ખુલાસો કર્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવા માંગતા હતા, પરંતુ ભાજપ આ માટે તૈયાર નહોતું.
બેઠક વહેંચણી કરારથી NDA માં ખળભળાટ
બેઠક વહેંચણી કરારથી NDA માં ખળભળાટ મચી ગયો છે. ભાજપ અને JDU એ ૧૦૧ બેઠકો જાળવી રાખી છે. આ ઉપરાંત, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ને ૨૯ બેઠકો આપવામાં આવી હતી. રાષ્ટ્રીય લોક મોરચા અને જીતન રામ માંઝીના હિન્દુસ્તાની અવમ મોરચાને ૬-૬ બેઠકો ફાળવવામાં આવી હતી. જોકે, રાષ્ટ્રીય લોક મોરચાના વડા ઉપેન્દ્ર કુશવાહાએ નારાજગી વ્યક્ત કરી હતી. જાેકે, ત્યારબાદ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે દિલ્હી ગયા હતા.
નીતિશની પાર્ટી, JDU, અત્યાર સુધી બિહાર ચૂંટણીમાં મોટા ભાઈની ભૂમિકા ભજવી છે, પરંતુ આ વખતે ભાજપ સમાન શરતો પર ચૂંટણી લડી રહી છે. અમિત શાહને તાજેતરમાં એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે, જો NDA સરકાર બનાવે તો મુખ્યમંત્રી કોણ હશે. તેમણે કહ્યું કે, NDA એક મોટું ગઠબંધન છે અને બધા પક્ષો સાથે મળીને તેના પર ર્નિણય લેશે. જણાવી દઈએ કે, બિહારની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ચૂંટણીનો પ્રથમ તબક્કો ૬ નવેમ્બરે અને બીજો તબક્કો ૧૧ નવેમ્બરે યોજાશે. મતગણતરી ૧૪ નવેમ્બરે થશે.