Last Updated on by Sampurna Samachar
કરુણ નાયરને ૮ વર્ષ પછી ટેસ્ટમાં તક મળી હતી
તે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કરુણ નાયરને ૮ વર્ષ પછી ભારતની ટેસ્ટ ટીમમાં તક મળી, પરંતુ તે આ સુવર્ણ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં. કરુણ નાયર તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં નિષ્ફળ રહ્યો. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન કરુણ નાયરે ૮ ઇનિંગ્સમાં ૦, ૨૦, ૩૧, ૨૬, ૪૦, ૧૪, ૫૭ અને ૧૭ રન બનાવ્યા. કરુણ નાયરની ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી અંગે હવે સસ્પેન્સ છે.
એવી અટકળો ચાલી રહી છે કે કરુણ નાયર તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. કરુણ નાયરે ભારત માટે ૧૦ ટેસ્ટ મેચમાં ૪૧.૩૫ની સરેરાશથી ૫૭૯ રન બનાવ્યા, જેમાં અણનમ ૩૦૩ રનની ઐતિહાસિક ઇનિંગ્સનો સમાવેશ થાય છે.
કરુણ નાયરને તક મળશે કે નહીં તે મોટો પ્રશ્ન
ભારતીય સ્થાનિક ક્રિકેટ સીઝન (૨૦૨૫-૨૬) દુલીપ ટ્રોફી સાથે શરૂ થઈ રહી છે. આ દરમિયાન કરુણ નાયર અને વિદર્ભ ક્રિકેટ ટીમ સાથે સંબંધિત એક મોટા સમાચાર આવ્યા છે. કરુણ નાયર વિશે ઘણા સમય પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે તે આગામી રણજી સીઝનમાં કર્ણાટક માટે રમશે. પરંતુ, હવે તે પુષ્ટિ થઈ ગઈ છે કે વિદર્ભ ક્રિકેટ ટીમમાં તેનું સ્થાન કોણ લેશે.
કરુણ નાયર છેલ્લા બે સ્થાનિક સીઝનથી વિદર્ભ ક્રિકેટ ટીમ માટે રમી રહ્યો હતો, પરંતુ તેણે ૨૦૨૫-૨૬ સીઝન માટે તેની સ્થાનિક ટીમ કર્ણાટકમાં પાછા ફરવાનો ર્નિણય લીધો છે. વિદર્ભ ક્રિકેટ ટીમે કરુણની જગ્યાએ રવિ કુમાર સમર્થનો સમાવેશ કરવાનો ર્નિણય લીધો છે. કરુણ નાયરના વિદર્ભ માટે પ્રદર્શનને ધ્યાનમાં લેતા વિદર્ભ ટીમમાં તેનું સ્થાન લેવું સરળ નથી, પરંતુ રવિકુમાર માટે નવી ટીમમાં પોતાને સાબિત કરવાની આ એક સારી તક છે.
સમર્થ કર્ણાટકનો છે અને ૨૦૧૩થી ૨૦૨૪ સુધી આ ટીમ માટે રમી ચૂક્યો છે. તે ૨૦૨૪-૨૫ સીઝન માટે ઉત્તરાખંડ ગયો હતો. કરુણ નાયર અને ગણેશ સતીશ પછી સમર્થ કર્ણાટકનો વિદર્ભ માટે રમનાર ત્રીજાે ક્રિકેટર છે. કરુણ નાયરનું છેલ્લી રણજી સીઝનમાં શાનદાર પ્રદર્શન હતું અને તેણે વિદર્ભને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
કરુણે છેલ્લી રણજી સીઝનમાં ૯ મેચમાં ૮૬૩ રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના આધારે તે લગભગ ૮ વર્ષ પછી ભારતીય ક્રિકેટ ટીમમાં પાછો ફર્યો. તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ૩૨ વર્ષીય રવિકુમાર સમર્થ એક ઓપનિંગ બેટ્સમેન છે. તેણે ૯૫ ફર્સ્ટ ક્લાસ મેચની ૧૬૬ ઇનિંગ્સમાં ૬,૧૫૭ રન બનાવ્યા છે, જેમાં ૧૫ સદી અને ૩૫ અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર ૨૩૫ રન છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ પછી ભારત ઓક્ટોબર-નવેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી સાથે સ્થાનિક સિઝનની શરૂઆત કરશે. જોકે, કરુણ નાયરને તક મળશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. કરુણ નાયરે તાજેતરમાં કહ્યું હતું કે, ‘હું ખૂબ આગળ વિચારી રહ્યો નથી. હું ફક્ત દિવસેને દિવસે આગળ વધી રહ્યો છું. તમે જાણો છો કે હું જે બાબતો પર કામ કરી શકું છું તેના પર કામ કરવાનો અને છેલ્લી શ્રેણીમાંથી શીખવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને પછી સમય આવશે તેમ, આપણને ખબર પડશે કે આગળ શું થવાનું છે. પરંતુ મારા માટે, તે દિવસેને દિવસે મારી જાત પર કામ કરવા અને દરરોજ મારી ફિટનેસ સુધારવા વિશે છે.