Last Updated on by Sampurna Samachar
આસામની હેમંત બિસ્વા સરકારનો આદેશ
જિલ્લા કમિશનરોને આદેશ અપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસમની હેમંત બિસ્વા સરમા સરકારે શંકાસ્પદ વિદેશીઓને ૧૦ દિવસમાં પોતાની નાગરિકતા સાબિત કરવાનો આદેશ આપ્યો છે. અસમ કેબિનેટે પ્રવાસી (અસમમાંથી હકાલપટ્ટી) અધિનિયમ, ૧૯૫૦ હેઠળ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને મંજૂરી આપી છે, જે મુજબ જિલ્લા કમિશનરો ૧૦ દિવસની નોટિસ આપશે. જો કોઈ વ્યક્તિ આ સમયમાં નાગરિકતા સાબિત ન કરી શકે, તો તેની હકાલપટ્ટી કરવાનો આદેશ આપવામાં આવશે.

મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું કે, નવી SOP હેઠળ, જિલ્લા કમિશનરોને શંકાસ્પદ વિદેશીઓને ૧૦ દિવસમાં પોતાની નાગરિકતા સાબિત કરવા માટે નોટિસ આપવાનો અધિકાર મળશે. જો તેઓ નિષ્ફળ જશે, તો જિલ્લા ઉપાયુક્ત હકાલપટ્ટીનો આદેશ જારી કરી શકશે. હવે આવા કેસ વિદેશી ટ્રિબ્યુનલને બદલે સીધા જિલ્લા ઉપાયુક્તો પાસે જશે.
BSF તેને બાંગ્લાદેશ કે પાકિસ્તાન મોકલી દેશે
આ વર્ષે જૂનમાં મુખ્યમંત્રી સરમાએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે અસમ સરકાર IEAA ૧૯૫૦ લાગુ કરશે. તેમણે સુપ્રીમ કોર્ટના ઓક્ટોબર ૨૦૨૪ના ર્નિણયનો હવાલો આપ્યો હતો, જે મુજબ ૨૪ માર્ચ, ૧૯૭૧ પછી અસમમાં પ્રવેશ કરનારાઓને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગણવામાં આવશે.
SOP લાગુ થવાથી વિદેશી ટ્રિબ્યુનલોની ભૂમિકા ઘટી જશે. મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ વિદેશી હોવાનું જણાશે, તો ઉપાયુક્ત ૧૦ દિવસમાં નાગરિકતા સાબિત કરવા નોટિસ આપશે. જો વ્યક્તિ નિષ્ફળ જશે, તો ઉપાયુક્ત તરત જ હકાલપટ્ટીનો આદેશ આપી તેને અટકાયત કેન્દ્રમાં મોકલશે, જ્યાંથી BSF તેને બાંગ્લાદેશ કે પાકિસ્તાન મોકલી દેશે.
રાજ્ય સરકારે વિદેશી ટ્રિબ્યુનલોને બાજુ પર રાખીને ગૂંચવણભર્યા કેસો જ ટ્રિબ્યુનલમાં મોકલવાનો ર્નિણય કર્યો છે, જ્યાં જિલ્લા મેજિસ્ટ્રેટ ર્નિણય ન લઈ શકે. આ IEAA ૧૯૫૦ કાયદો જવાહરલાલ નહેરુ સરકારે પૂર્વ પાકિસ્તાનથી સ્થળાંતર રોકવા માટે બનાવ્યો હતો. આ અધિનિયમમાં કહેવામાં આવ્યું હતું કે જો કેન્દ્ર સરકારના મતે કોઈ વ્યક્તિનું (જે સામાન્ય રીતે ભારતના બહારના કોઈ સ્થળનો નિવાસી છે અને અધિનિયમ લાગુ થવા પહેલાં કે પછી અસમ આવ્યો છે) રાજ્યમાં રહેવું ભારતની સામાન્ય જનતા કે તેના કોઈ વર્ગ કે અસમમાં કોઈ અનુસૂચિત જનજાતિના હિતો માટે હાનિકારક છે, તો તે આવી વ્યક્તિને નિર્દિષ્ટ સમયમર્યાદાની અંદર અસમ કે ભારતમાંથી હકાલપટ્ટી કરવાનો નિર્દેશ આપી શકે છે.
જોકે, ૧ માર્ચ, ૧૯૫૦ના રોજ લાગુ થયાના એક મહિના પછી જ નહેરુએ અસમના તત્કાલીન સીએમ ગોપીનાથ બારદોલોઈને લિયાકત-નહેરુ સમજૂતીના આલોકમાં આના પર રોક લગાવવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારથી આ એક્ટ ઉપયોગમાં નથી.