Last Updated on by Sampurna Samachar
કેસમાં કુલ ૧૩ લોકો પર આરોપ મૂકવામાં આવ્યો
જામીન અરજી રદ, ૭ દિવસમાં કરવું પડશે સરેન્ડર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓલિમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમાર પોતાના જુનિયર સાગર ધનખરની હત્યાના આરોપમાં લાંબો સમય જેલમાં રહ્યો હતો. આ કેસમાં તેને દિલ્હી હાઈકોર્ટ તરફથી જામીન મળ્યા હતા. પરંતુ હવે સુશીલ કુમારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે જુનિયર કુસ્તીબાજ સાગર ધનખરની હત્યાના કેસમાં સુશીલ કુમારના જામીન રદ કર્યા છે અને ૧ અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

જુનિયર પહેલવાન સાગર ધનખરની હત્યાના આરોપી ઓલિમ્પિયન સુશીલ કુમાર પહેલવાનને દિલ્હી હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. જેને સાગરના પિતાએ સુપ્રીમ કોર્ટમાં રદ કરવાની માંગ કરી હતી. મે ૨૦૨૧માં દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં જુનિયર પહેલવાન સાગર ધનખરને મારપીટ કરીને હત્યા કરવામાં આવી હતી. સાગરના પિતા અશોક ધનખરે સુપ્રીમ કોર્ટમાં આરોપી સુશીલ કુમારના જામીન રદ કરવાની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ર્નિણય બદલી નાખ્યો
મૃતક પહેલવાન સાગર ધનખરના પિતાએ દાવો કર્યો છે કે, આરોપી પહેલવાન સુશીલ કુમાર જામીન પર છૂટ્યા પછી સાક્ષીઓ પર દબાણ કર્યું હતું. અને આ વખતે પણ આવું થવાની શક્યતા છે. અશોક ધનખરનો આરોપ છે કે, હવે ફરીથી તેમના પરિવાર પર સમાધાન માટે દબાણ લાગવામાં આવી રહ્યું છે. આ કેસમાં વીડિયો પુરાવા હોવાથી સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ર્નિણય બદલી નાખ્યો છે.
હકીકતમાં, આ મામલો ૫ મે ૨૦૨૧ ની રાત્રિનો છે. જ્યારે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં પૂર્વ જૂનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર ધનખરને સુશીલ કુમાર અને તેના સહયોગીઓએ લાકડીઓથી ખૂબ ખરાબ રીતે માર્યો હતો. જેના કારણે સાગરનું હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, આ કેસમાં અન્ય ૪ પહેલવાનો પણ ઘાયલ થયા હતા. આ કેસમાં કુલ ૧૩ લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુનાહિત કાવતરું, અપહરણ, લૂંટ, રમખાણો, હત્યાનો પ્રયાસ, ગુનાહિત હત્યા અને હત્યાનો કેસ દાખલ કર્યો છે.