Last Updated on by Sampurna Samachar
સુશાંતના ચાહકો અને પરિવારજનો આજે પણ ન્યાયની માંગ કરી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુશાંતસિંહ રાજપૂત કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં સુશાંત સિંહના અને તેની પૂર્વ મેનેજર સાલિયાનના મૃત્યુ મામલે આદિત્ય ઠાકરેની પૂછપરછ અને ધરપકડની માંગ કરતી PIL દાખલ કરવામાં આવી છે. સુશાંતના ચાહકો અને પરિવારજનો આજે પણ ન્યાયની માંગ કરી રહ્યા છે. હજું પણ CBI આ કેસની તપાસ કરી રહી છે.
બોમ્બે હાઈકોર્ટ સુશાંતસિંહ રાજપૂત ના આ કેસની PIL પર સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ આ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ લિટિગેંટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ અપીલમાં બંને ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી હોવાની શંકા પણ છે. જેથી સત્ય ઉજાગર કરવા માટે તપાસની માંગ થઈ છે.
એસોસિએશનના અધ્યક્ષ રાશિદ ખાન પઠાણે આદિત્ય ઠાકરેની અટકાયત કરી પૂછપરછ કરવાની માંગ પણ કરી છે. ઉલ્લેખનીય છે, દિશા સાલિયાનનું ૮ જૂન, ૨૦૨૦ ની રાત્રે મુંબઈમાં બિલ્ડિંગના ૧૪મા માળેથી પડવાને કારણે મૃત્યુ થયું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દિશા ઘણી ઈમોશનલ હતી અને પાર્ટી દરમિયાન તે તેની પ્રોફેશનલ લાઇફ વિશે ચિંતિત થઇ અને રડવા લાગી હતી. તેણે તેની ફ્રેન્ડ અંકિતાને લંડન ફોન કર્યો હતો અને ત્યારબાદ તેણે બિલ્ડિંગથી છલાંગ મારી લીધી.
દિશાએ ૮ જૂને આત્મહત્યા કરી હતી. આ કેસની પ્રારંભિક તપાસમાં બંનેના મૃત્યુંને આપઘાત તરીકે દર્શાવવામાં આવ્યા છે. દિશાના પરિવારે આપઘાતના કારણો સ્વીકાર્યા છે અને ષડયંત્રની અટકળોને પણ ફગાવી છે. જ્યારે સુશાંતસિંહ રાજપૂતના પરિવારજનો સ્વીકારી રહ્યા નથી. તેમને આ મામલે કોઈ મોટુ ષડયંત્ર રચાયું હોવાની આશંકા છે.