Last Updated on by Sampurna Samachar
ટીમમાંથી ડ્રોપ થયા બાદ લાલચોળ થયો હતો અક્ષર પટેલ
અક્ષર પટેલને બહાર રાખવો ખોટો ર્નિણય : સૂર્ય કુમાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમે ઈતિહાસમાં ત્રીજી વખત અને સતત બીજી વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકે, આ સફર એટલી સરળ નહોતી. ખાસ કરીને સુપર-૮માં દક્ષિણ આફ્રિકા સામે મળેલી ૭૬ રનની કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા પર બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. આ મેચમાં વાઈસ કેપ્ટન અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાના ર્નિણય પર હવે કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટો ખુલાસો કર્યો છે.

અમદાવાદમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતે રણનીતિક ર્નિણય લેતા અક્ષર પટેલના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમમાં ડાબોડી બેટર્સની સંખ્યા વધુ હોવાથી મેનેજમેન્ટે સુંદરને પ્રાધાન્ય આપ્યું હતું. જોકે, આ દાવ ઊંધો પડ્યો અને ભારતને મોટીહારનો સામનો કરવો પડ્યો. આ ર્નિણયથી અક્ષર પટેલ બિલકુલ ખુશ નહોતો.
અક્ષર પટેલને બહાર રાખવો કદાચ ખોટો ર્નિણય હતો
એક અખબાર સાથેની વાતચીતમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે, અક્ષર પટેલને બહાર રાખવો કદાચ ખોટો ર્નિણય હતો. સૂર્યાએ કહ્યું, “અક્ષર ખૂબ જ ગુસ્સામાં હતો અને તેનું ગુસ્સે થવું વ્યાજબી પણ હતું. તે એક અનુભવી ખેલાડી છે અને આઈપીએલમાં ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ કરે છે. મેં તેની માફી માંગી હતી. મેં તેને કહ્યું કે આ મારી ભૂલ હતી અને હું દિલગીર છું, પરંતુ આ ર્નિણય ટીમ માટે લેવામાં આવ્યો હતો.”
સૂર્યાએ દક્ષિણ આફ્રિકા સામેની હારને ટૂર્નામેન્ટનો ટર્નિંગ પોઈન્ટ ગણાવતા કહ્યું કે, આ હારને કારણે અમારી આંખો ઉઘડી હતી. અને ટીમને વધુ મજબૂત બનાવી.હાર બાદ અમારી પાસે પાછા વળવાનો કોઈ વિકલ્પ નહોતો. ઝિમ્બાબ્વે સામેની મેચ અમારા માટે પ્રી-ક્વાર્ટર ફાઈનલ જેવી બની ગઈ હતી. અમે ત્યારબાદની દરેક મેચ નોકઆઉટની જેમ જ રમ્યા હતા.
દક્ષિણ આફ્રિકા સામેના ઝટકા બાદ ભારતે જોરદાર વાપસી કરી હતી. સુપર-૮ની બાકીની મેચો જીત્યા બાદ સેમિ ફાઇનલમાં ઈંગ્લેન્ડ અને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત સતત બે ટી-૨૦ વર્લ્ડ કપ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.