Last Updated on by Sampurna Samachar
રેટિંગ વધીને ૩૫.૫ ટકા પર પહોંચી ગઈ
નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો ગ્રાફ ગગડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ને ધ્યાનમાં રાખીને કરાયેલા એક તાજેતરના સર્વેમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ સતત સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ટોચ પર છે. રિસર્ચ એજન્સી સી-વોટર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કરાયેલા સર્વેના તારણો અનુસાર, વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જન સુરાજના નેતા પ્રશાંત કિશોરની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. જોકે, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો ગ્રાફ ગગડ્યો છે.
ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને સી-વોટર ફેબ્રુઆરી મહિનાથી બિહારમાં મુખ્યમંત્રી પદના મનપસંદ ઉમેદવારનો સર્વે કરાવી રહી છે. આ સર્વેમાં ફેબ્રુઆરી ૨૦૨૫થી સતત તેજસ્વી યાદવ ટોચના ક્રમાંક પર જળવાઈ રહ્યા છે. જોકે, તેમની રેટિંગ ૪૦ ટકાથી ઘટીને ઓગસ્ટમાં ૩૧.૩ ટકા થઈ ગઈ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં તેમની લોકપ્રિયતામાં ફરી ઉછાળો આવ્યો છે. તાજા સર્વેમાં તેમની રેટિંગ વધીને ૩૫.૫ ટકા પર પહોંચી ગઈ છે.
સપ્ટેમ્બર મહિનાના પરિણામમાં સમ્રાટની રેટિંગ ૬.૮ ટકા
મુખ્યમંત્રી નીતિશ કુમારની વાત કરીએ તો, ઓગસ્ટ મહિના સુધી તેમની રેટિંગ ધીમે ધીમે ઘટીને ૧૮ ટકાથી ૧૪ ટકા સુધી પહોંચી ગઈ હતી. જોકે, સપ્ટેમ્બર મહિનામાં તેમની લોકપ્રિયતામાં થોડો વધારો થયો છે. સી-વોટરના સર્વે મુજબ, સપ્ટેમ્બરમાં તેમની રેટિંગ વધીને ૧૬ ટકા થઈ ગઈ છે.
જન સુરાજના સૂત્રધાર પ્રશાંત કિશોર લોકપ્રિયતાના મામલે સતત આગળ વધી રહ્યા છે. ફેબ્રુઆરીમાં તેમની રેટિંગ ૧૪.૯ ટકા હતી, જે જૂનમાં વધીને ૧૮.૨ ટકા થઈ ગઈ અને તેમણે નીતિશ કુમારને પછાડીને સર્વેમાં બીજા નંબર પર કબજો જમાવ્યો હતો. ત્યારથી તેઓ સતત આગળ વધી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનાના પરિણામોમાં તેમની રેટિંગ વધીને ૨૩.૧ ટકા થઈ ગઈ છે.
લક્ષ્મી વિલાસ જનશક્તિ પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન મનપસંદ સીએમ ઉમેદવારના સર્વેમાં ૯.૫ ટકા રેટિંગ સાથે ચોથા સ્થાને છે. તેમની રેટિંગમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ફેબ્રુઆરીમાં તેઓ ૩.૭ ટકા લોકોના મનપસંદ ઉમેદવાર હતા, જે મે મહિનામાં વધીને ૧૦.૬ ટકા સુધી પહોંચી ગયા હતા. ત્યારબાદ તેમની રેટિંગ ૯ અને ૧૦ ટકાની વચ્ચે રહી છે. જ્યારે ભાજપના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીની લોકપ્રિયતા ગગડી છે. આ સરવેના સપ્ટેમ્બર મહિનાના પરિણામમાં સમ્રાટની રેટિંગ ૬.૮ ટકા રહી ગઇ છે.