Last Updated on by Sampurna Samachar
પરિવારે ૧૨ દિવસ વિતતા ઘરે બેસણુ રાખ્યુ
પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભમાં ભક્તો આસ્થાની ડૂબકી લગાવી છે. દેશ અને દુનિયાભરમાંથી લાખો ભક્તો અને પ્રતિષ્ઠિત હસ્તીઓ મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચી રહી છે. પરંતુ ડૂબકી લગાવતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોમાં ક્યાં કોઇ ગુમ થઇ જાય . આવો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.
સુરતના કતારગામનો યુવક મહાકુંભ (MAHAKUMBH) માં ત્રિવેણી સંગમ ખાતે ડૂબકી લગાવી રહ્યો હતો આ દરમિયાન પાણીમાં અચાનક ગરકાવ થઈ ગયો હતો. જેનો મૃતદેહ ૧૨ દિવસ વીતવા છતાં નથી મળ્યો. યુવકના પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મહાકુંભમાંથી દુખદ સમાચાર
બાર દિવસ થઈ ગયા છતાં પણ તેનું મૃતદેહ ન મળતા આખરે તેના પરિવાર દ્વારા તેને મૃત જાહેર કરી તેનું બેસણું પણ સુરત ખાતે રાખવામાં આવ્યું હતું. હાલ પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. મહાકુંભમાં સ્નાનનો લ્હાવો લેવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અને મોટી મોટી હસ્તીઓ આવી રહી છે. ત્યારે મહાકુંભમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો કમલેશ વઘાસિયા નામનો યુવક મિત્રો સાથે પ્રયાગરાજ ગયો હતો અને ત્રિવેણી સંગમ ખાતે નદીમાં જોખમી ડૂબકી લગાવી રહ્યો હતો. તેનો અન્ય એક મિત્ર વીડિયો ઉતારતો હતો. ત્યારે એ મિત્ર દ્વારા તેને અવારનવાર બહાર નીકળી જવા માટેની સૂચના આપવામાં આવી હતી પણ આ યુવક કોઈની વાત સાંભળતો ન હતો અને ડૂબકી ઉપર ડૂબકી લગાડતો હતો અને અચાનક ડૂબકી લગાવ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. એક શ્રદ્ધાળુનું મૃત્યુ નીપજતાં શોકનો માહોલ છવાયો છે.
આ ઘટના સંદર્ભે તાત્કાલિક કમલેશ વઘાસિયાની શોધખોળ શરૂ કરી હતી અને સ્થાનિક લોકોને પણ જાણ કરી હતી. જોકે યુવક ના મળતા આખરે નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ પણ આપવામાં આવી છે. કમલેશ વઘાસિયાને બાર દિવસ થઈ ગયા છતાં પણ તેનું મૃતદેહ ન મળતા આખરે તેના પરિવાર દ્વારા તેને મૃત જાહેર કરી તેનું બેસણું પણ સુરત ખાતે રાખવામાં આવ્યું છે.