Last Updated on by Sampurna Samachar
પત્ની અને બાળકના મોત થયું તો માતા-પિતા અને યુવાન સારવાર હેઠળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના સરથાણામાં વધુ એક સામૂહિક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ સૂર્યા ટાવરમાં રહેતા યુવાનના પરિવારે સામૂહિક હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવાનની પત્ની અને બાળકનું મોત નિપજયું. જ્યારે ઘાયલ માતાપિતા સહિત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ ઘટના સ્થળ પર પંહોચી આગળની તપાસ હાથ ધરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના સરથાણામાં આવેલ સૂર્યા ટાવરમાં સ્મિત જિયાણી નામનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. સ્મિત નામના યુવાને અચાનક પોતાના પરિવાર પર ઘાતકી હુમલો કર્યો હતો. યુવાને પહેલા પત્ની અને માસૂમ બાળક તેમજ પોતાના માતા-પિતાને પણ ચપ્પુ મારી ઘાયલ કર્યા બાદ યુવાને પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સામૂહિક હત્યાના પ્રયાસમાં યુવાનની પત્ની અને બાળકનું મોત નિપજયું છે. જ્યારે ઘાયલ યુવાન અને તેના માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી હતી. પ્રાથમિક પૂછપરછમાં પરિવારમાં ચાલતા આંતરિક કલહના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ યુવાન સ્મિતને કોઈ દેવું છે કે પછી કોઈ તરફથી ધમકી મળી હતી કે પછી આ બનાવ પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તેને લઈને તપાસ હાથ ધરી છે.