Last Updated on by Sampurna Samachar
પાલિકાએ મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધી કામગીરી શરૂ કરી
રાંદેર ઝોનમાં મચ્છરનો ભારે ઉપદ્રવ હોવાની ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત મહાનગર વિવિધ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી મચ્છરોના ઉપદ્રવથી વ્યાપક ફરિયાદો ઉઠી છે. શહેરીજનો મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરમાં કેટલાક એવા બ્લાઈન્ડ સ્પોટ છે. જેમાં પાલિકાના કર્મચારીઓ મેન્યુઅલી દવા છંટકાવ કે સર્વે ન કરી શકે તેવી જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમસ્યાનો હલ કરવા માટે પ્રયાસ કરાયો છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ભેસાણ વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરી આવા સ્પોટ પર દવાનો છંટકાવ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીનો આગામી દિવસોમાં મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.
પાલિકાએ આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો
શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધવા સાથે પાલિકાએ મચ્છરનો ઉપદ્રવ દૂર કરવા માટે ડ્રાય ડે જેવી ઝુંબેશ અને અન્ય નિયમિત કામગીરી થકી મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધી તેનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, આ કામગીરી છતાં પણ હાલમાં શહેરના રાંદેર ઝોનમાં મચ્છરનો ભારે ઉપદ્રવ હોવાની ફરિયાદ વધી છે. આ વિસ્તારમાં અનેક એવા સ્પોટ છે જ્યાં પાલિકાના કર્મચારીઓ સર્વેની કામગીરી કે દવા છંટકાવ કરી શકતા નથી.
આ સમસ્યાનો હલ લાવવા પાલિકાએ આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે અને ગુજરાતમાં પહેલીવાર ડ્રોનનો ઉપયોગ જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત મચ્છરજન્ય રોગચાળાને અંકુશમાં લેવા માટે ટેક્નોલોજીના ઉપયોગની પહેલ કરી છે. સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર પાણીમાં મેલેરિયા, ફાઈલેરિયા અને ડેંગ્યુ જેવા મચ્છરોનો પ્રકોપ વધતો હોય છે અને ચોમાસા બાદ આ સ્થિતિ વધુ વિકરાળ બનતી હોય છે. ખાસ કરીને તેના નિયંત્રણ માટે સાત-દસ દિવસની અંદર મચ્છરના લારવા અવસ્થામાં નાબૂદ કરવા ખુબ જ જરૂરી છે.
જ્યાં કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ પાલિકાએ દ્વારા પહેલી વખત એઆઈ-એમ.એલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છર નિયંત્રણ માટેની કામગીરી હાથ ધરી છે. જેના ભાગરૂપે રાંદેર ઝોનમાં ભેંસાણ ખાતે આવેલ ખેતરમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે.