Last Updated on by Sampurna Samachar
Contents
નવી સિવિલમાં ૭ વર્ષના પુત્રને ઊંચકીને ફરતા પિતાની દોડધામ
હોસ્પિટલના સ્ટાફે આ બાળકને બેસાડવા માટે વ્હીલચેર આપવા કોઈ મદદ ના કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકાર દ્વારા વિકાસના દાવા કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત રાજ્યને વિકાસનું રોલ મોડેલ ગણવામાં આવે છે. રાજ્યમાં તમામ પ્રકારની સુવિધાઓ લોકોને સરળતાથી મળતી હોવાનું ગુલબાંગો ફૂંકાય છે. એક ઘટના સુરતની સિવિલ હોસ્પિટલથી સામે આવી છે.

એક લાચાર પિતા તેના પુત્રને હાથમાં ઊંચકીને વ્હીલચેર માટે આમતેમ ફરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલના સ્ટાફે આ બાળકને બેસાડવા માટે વ્હીલચેર આપવા કોઈ મદદ ના કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓની સુવિધાઓને લઈને વિવાદમાં આવી છે.
પિતાની લાચારી સામે આંખ આડા કાન
એક માતા પિતા ખરી ગરમીમાં પોતાના સાત વર્ષના બાળકને ઊંચકીને વ્હીલ ચેર માટે આમ તેમ ફરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં વ્હીલ ચેર નહીં મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હોસ્પિટલના સ્ટાફે પણ આ બાળકના દુ:ખ અને પિતાની લાચારી સામે આંખ આડા કાન કરીને કોઈ પણ પ્રકારની મદદ નહીં કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરત સિવિલના તંત્ર સામે ફરી સવાલ ઉભા થયાં છે. સુરત સિવિલ હોસ્પિટલમાં મૂળભૂત સુવિધાઓના અભાવે દર્દીઓ પરેશાન થઈ રહ્યાં છે. એક લાચાર પિતાનો પગમાં પ્લાસ્ટર લગાવેલા બાળકને હાથમાં ઊંચકીને ફરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.