સ્થાનિક થી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી પણ કોઈ પગલા લેવાયા નહિ તેમ વેપારીઓનું કહેવું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં મેટ્રોની કામગીરીના કારણે અને લોકોના વેપાર ધંધો ઠપ્પ થઈ ગયા છે. ટાવર વિસ્તારના વેપારીઓનો વિરોધ સાથે હવે ભાગળ વિસ્તારના અન્ય વેપારીઓ પણ વિરોધ પ્રદર્શનમાં બહાર આવી રહ્યાં છે. મેટ્રોની કામગીરી વેપારીઓએ અટકાવી છે ત્યારબાદ સતત બીજા દિવસે વેપારીઓએ મેટ્રોની કામગીરી અટકાવી છે. વેપારીઓએ સ્થાનિક થી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી પણ વળતર આપવા માટે વાયદો મળ્યો છે પણ તેનું પાલન થતું ન હોવાથી વેપારીઓ મરણીયા બન્યા છે.
સુરતના રાજ માર્ગ પર આવેલા ટાવર વિસ્તાર એક સમયે વેપાર ધંધા માટે પ્રખ્યાત હતો પરંતુ મેટ્રોના કારણે લોકોના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયાં છે એટલું જ નહી પરંતુ આ વિસ્તારમાં રહેતા લોકોને પણ ભારે હાલાકી થઈ રહી છે. ટાવર વિસ્તારના વેપારીઓ અને વખત મેટ્રોની કામગીરી સામે વિરોધ કરી ચુક્યા છે. ગઈકાલે ગુરુવારે ભાગળ વિસ્તારમાં આવેલા આર્યમન આર્કેડના વેપારીઓએ પણ મેટ્રોની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ કોમ્પ્લેક્ષમાં ૩૨૫ જેટલી દુકાનો છે અને મેટ્રોના કારણે ગ્રાહકો દુકાન સુધી જઈ શકતા નથી. અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ વેપારીઓએ આજે પણ મેટ્રોની કામગીર અટકાવી છે વેપારીઓએ આક્રોશ પુર્ણ રીતે કહ્યું હતું કે, અમારા વેપાર ધંધા બંધ થઈ ગયાં છે વળતર આપવા કે રોડ ખોલી આપવા માટે છેલ્લા ૨૦ મહિનાથી રજુઆત થઈ રહી છે પરંતુ કોઈ પરિણામ ન આવતા વેપારીઓની ધીરજ ખૂટી રહી છે. હાલ એવી સ્થિતિ છે કે બેંકમાં કેસ લઈ જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. ૨૨ મહિનાથી દુકાનો બંધ છે મેટ્રો કે તંત્ર કોઇ જાતની કાર્યવાહી કરતી ન હોવાથી વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે. વારંવાર રજુઆત બાદ કોઈ પગલાં ન ભરાતા અમારે ના છુટકે કામગીરી બંધ કરાવવાની ફરજ પડી રહી છે.