આ દાગીનાની કિંમત રૂ. છ લાખની આસપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં શહેરમાં ભાગલ ચાર રસ્તા નજીક ૬૪ ગ્રામ સોનાના દાગીનાની લૂંટ થઈ છે. બંગાળી કારીગર દાગીના લઈને જઈ રહ્યો હતો, તે સમયે ત્રણ વ્યક્તિએ કારીગર પાસેથી દાગીના લૂંટી લીધા હતા. પોલીસે CCTV ના આધારે તપાસ શરૂ કરી છે. આ દાગીનાની કિંમત રૂ. છ લાખની આસપાસ હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરના ભરચક ટ્રાફિક ધરાવતા ભાગળ ચારરસ્તા પાસે જ લૂંટની આ ઘટના બની હતી. નજીકમાં અંબાજીરોડ ઉપર ઘરેણાં તૈયાર કરવાનું કામ કરતાં બંગાળી સોની ૬૪ ગ્રામ વજનના સોનાના દાગીના તૈયાર કરીને દુકાને જતો હતો. ત્યારે ડબગરવાડ ઝપાટા ગારમેન્ટની સામેના ભાગમાં ત્રણ શખ્સોએ તેને આતર્યો હતો. તેની પાસે દાગીના મૂકેલું જે પાકીટ હતું તે ખેંચીને ફરાર થઈ ગયા હતાં. વેપારી કંઈ સમજે તે પહેલાં તો આ ત્રણેય લૂંટારા ભરચક ટ્રાફિક વચ્ચેથી પણ નાસી છૂટ્યા હતાં.
વેપારીએ બૂમાબૂમ કરતાં આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતાં. લોકો પણ ત્યાં દોડી આવ્યા હતાં. પોલીને જાણ કરતાં પોલીસની સ્થાનિક ટીમ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. તેમણે સીસીટીવી ફૂટેજની મદદથી લૂંટારુઓનું પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.સૂત્રોનું કહેવું છે કે, લૂંટારુઓએ જે રીતે ગણતરીની પળમાં જ લૂંટને અંજામ આપ્યો તે એક બાબત સ્પષ્ટ કરે છે કે, વેપારી પાસે દાગીના છે, ક્યાં મૂક્યા છે. તે તમામ બાબતોની માહિતી આ લૂંટારાઓ પાસે હતી. એટલે, આ લૂંટારાઓને કોઈ જાણભેદુએ ટીપ આપી હોય શકે અથવા તો લૂંટમાં કોઈ ઘરભેદુ જ હોઈ શકે છે.