Last Updated on by Sampurna Samachar
વિદ્યાર્થીઓ ક્લાસમાં 5D ઈફેક્ટ્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ભણે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના IG દેસાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ હવે વિજ્ઞાન અને સામાજિક અભ્યાસના વિવિધ વિષયો સાંભળી, જોઈ અને અનુભવી શકશે. શાળાએ તેના કેમ્પસમાં 5D લેબ શરૂ કરી છે, જે શિક્ષણનો અનુભવ વધુ સારો બનાવશે. ભટાર સ્થિત સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ શાળાએ મેલ્જા અનુભવ 5F લેબ (MELZO ANUBHAV 5D LAB) લોન્ચ કરી છે.
શાળા પ્રશાસને દાવો કર્યો છે કે આ પ્રકારની આ પહેલી પહેલ છે જે વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. શાળાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અભ્યાસમાં 5D ઈફેક્ટ્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીનો સમાવેશ કરવાથી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વધે છે અને તેમના માનસિક વિકાસને પણ મજબૂત બનાવે છે.
આ શાળા ગાંધીવાદી વિચારધારાના અનુયાયીઓ દ્વારા ચલાવવામાં આવે છે, અને અહીંના ૯૦% થી વધુ વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે. શાળાના ટ્રસ્ટીના પુત્ર હાર્દિક દેસાઈએ જણાવ્યું હતું કે, “અમે અલગ-અલગ કોર્સ વિઝ્યુઅલ મોડમાં ડિઝાઇન કર્યા છે અને તેનો અનુભવ કરવા માટે અમે હાઈટેક ચેર બનાવી છે જે ૩૬૦ ડિગ્રી ફરી શકે છે. આ સિવાય આ ખુરશીઓથી ખૂશબુ,પાણીના છાંટા અને વાઈબ્રેશન જેવી ઈફેક્ટ્સ પણ મળે છે, જેણે VR હેડસેટ્સ દ્વારા અનુભવી શકાય છે.”
હાર્દિક દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, “આ ઈનોવેશન સાથે વિદ્યાર્થીઓ પરંપરાગત શિક્ષણની મર્યાદાઓથી આગળ વધીને બ્રહ્માંડની અજાયબીઓ, સમુદ્રની ઊંડાઈ અને ઈતિહાસ અને વિજ્ઞાનની સમૃદ્ધિનો અનુભવ તેમના વર્ગખંડમાં જ કરી શકશે.”
શાળાના ટ્રસ્ટી પરિમલ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમે ભારતની પ્રથમ એવી શાળા છીએ જેણે અમારા અભ્યાસક્રમમાં આ બદલાતી ટેક્નોલોજીનો સમાવેશ કર્યો છે જે અમારા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાના અમારા વિઝનને પ્રતિબિંબિત કરે છે જેથી કરીને તેઓ બદલાતી દુનિયામાં વધુને વધુ આપણું સ્થાન બનાવી શકે.”