Last Updated on by Sampurna Samachar
યૌન શોષણ મામલે કોર્ટે નરાધમને અંતિમ શ્વાસ સુધી ફટકારી સજા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં યૌન શોષણ મામલે કોર્ટે મોટો ચુકાદો આપ્યો. યૌન શોષણ કેસમાં આરોપી જીવે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી. યૌન શોષણ કરવાના કેસમાં સતત ૪ વર્ષ સુધી દીકરીનું શોષણ કરનાર સાવકા પિતા પર કાયદાનો કોરડો વીંઝાયો.
શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. પોક્સો એક્ટના કેસની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં કોર્ટે સાવકા પિતાને સજા ફટકારતા અંતિમ શ્વાસ સુધી જેલમાં સજા ભોગવવાની રહેશે. કાપોદ્રા વિસ્તારમાં બનેલ દુષ્કર્મની ઘટનામાં ૫ મહિના અને ૪ દિવસમાં કેસની સુનાવણી પૂર્ણ કરાઈ. સુરતની સ્પે. કોર્ટે આરોપી વિરુદ્ધ ચુકાદો આપતા નોંધ કરી કે માસૂમ બાળાની જિંદગીને નર્ક બનાવતું કૃત્ય છે. આરોપીએ પિતા-પુત્રીના સંબંધ પર લાંછન લગાવ્યું છે અને આથી જ આ જઘન્ય અપરાધમાં ક્ષમાને કોઈ સ્થાન નથી.
જણાવી દઈએ કે કાપોદ્રાના કામરેજ વિસ્તારમાં ૧૨ વર્ષની સગીરા ગર્ભવતી બનતા માતા સહિત પરિવારને આંચકો લાગ્યો. આ મામલે ૧૨ વર્ષીય પુત્રીની પૂછપરછ કરતાં માતાના પગતળેથી જમીન સરકી ગઈ. સગીરાએ જણાવ્યું કે તેના સાવકા પિતા રાજુ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી તેના પર અવાર-નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું. સાવકા પિતા ઉપરાંત પાડોશમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધે પણ સગીરાને હવસનો શિકાર બનાવી. પુત્રીની આપવીતી જાણ્યા બાદ માતા તુરત જ પોલીસ સ્ટેશન આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે હવસખોર સાવકા પિતા અને પાડોશી સામે તાત્કાલિક કાર્યવાહી કરી ધરપકડ કરી અને યૌન શોષણનો ગુનો દાખલ કર્યો. દુષ્કર્મ કેસમાં પીડિત સગીરા હોવાથી આ મામલો પોક્સો એક્ટ હેઠળ સ્પે. કોર્ટમાં ચલાવવામાં આવ્યો. પિતાના સંબંધને લાંછન લગાવનાર આરોપી સામે કોર્ટે કડક પગલાં લીધા. કોર્ટે આરોપી સાવકા પિતાને દોષિત ઠેરવી સજાનો હુકમ કરતાં અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી.