બાથરૂમના વેન્ટીલેશનની કાચની પટ્ટીથી ગળુ કાપવાનો પ્રયાસ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આર્થિક ભીંસ અને પારિવારિક કંકાસને પગલે પત્ની અને માસુમ પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતા પિતા પર જીવલેણ હુમલો કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીએ ફરી હોસ્પિટલમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાથરૂમના વેન્ટીલેશનની કાચની પટ્ટીથી ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ સરથાણામાં સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓનલાઈન વેપાર કરતાં સ્મિત જીયાણીએ ગત ૨૭મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે નિંદ્રાધીન પત્ની હિરલ અને માત્ર ચાર વર્ષના માસુમ પુત્ર ચાહિતના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બાજુના રૂમમાં સુઈ રહેલા માતા અને પિતા પર પણ આડેધડ ચપ્પુના ઘા ઝીંકીને ગંભીર ઈજા પહોંચાડી હતી. બીજીતરફ સ્મિતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે અને પોલીસ દ્વારા તેને રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ હતી.
એટલે પોલીસ તપાસથી બચવા માટે સ્મિતે હોસ્પિટલના બાથરૂમમાં જઈને વેલ્ટીલેશનની બારીના કાચ વડે પોતાના ગળા ઉપર અને શરીર પર ઈજા પહોંચડતા હોસ્પિટલનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. તબીબોએ તાત્કાલિક તેનું ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટના અંગે જાણ થતાં જ પીઆઈ મીનાબેન ઝાલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે ઘસી ગયો હતો.