Last Updated on by Sampurna Samachar
સુરત મનપાના ચોપડે આ કોઈ પ્રોજેક્ટ ન હોવાનું સામે આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાંથી દિવસે દિવસે નવા નવા કૌભાંડો બહાર આવી રહ્યાં છે. ત્યારે સુરતમાંથી વધુ એક કરોડો રુપિયાનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. સુરતમાં સાયલન્ટ ઝોનમાં ૨૫૦૦ કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ કરવાની તૈયારી કરી હતી. CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મોટા બિલ્ડરોએ ભાગીદારી પેઢી બનાવી સાયલન્ટ ઝોનમાં જમીન કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સમુદ્ધી કોર્પોરેશને સાયલન્ટ ઝોન સ્કીમ ઉભી કરી કૌભાંડનો કારસો રચ્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે આ કોઈ પ્રોજેક્ટ ન હોવાનું પણ સામે આવી રહ્યું છે. મુખ્ય પ્રધાન સુધી આ સમગ્ર કૌભાંડની અરજી કરવામાં આવી છે. છ મહિનાની તપાસ બાદ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં સમુદ્ધી કોર્પોરેશનના ભાગીદારોને નામનો ઉલ્લેખ નહીં હોવાનું સામે આવ્યુ છે. જમીન દલાલ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને મુળ માલિકને જ જમીન વેચવા જતાં ભાંડો ફુટ્યો હતો.