Last Updated on by Sampurna Samachar
પડતર જમીન પર ગેરકાયદેસર દબાણ કરાયું હોવાનો ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં હજીરા રોડ પર આવેલી AMNS કંપની પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા રૂપિયા ૧૮ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. મામલતદાર દ્વારા ફરિયાદના આધારે તપાસ કરાતા કૌભાંડ સામે આવ્યું હતું.
સુરત શહેરમાં હજીરા રોડ પર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ AMNS કંપનીને સુરત વહીવટી તંત્રએ દંડ ફટકાર્યો છે. માહિતી મુજબ AMNS કંપનીએ ગેરકાયદેસર જમીન પર દબાણ કર્યુ હોવાનું સામે આવતા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સરકારે જમીન દબાણ સામે જે આક્રમક કાર્યવાહી કરી છે તેના ભાગરૂપે વહીવટી તંત્ર નિંદ્રામાંથી જાગ્યું છે અને સરકારી જમીન પર દબાણ કરનારા સામે પગલાં લેવા માંડ્યું છે.
આવા જ પગલાના ભાગરૂપે સુરત શહેરમાં AMNS કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત ચોર્યાસી મામલતદાર દ્વારા ફરિયાદના આધારે તપાસ કરાઈ હતી. મામલતદારે તપાસ શરૂ કરતા કૌભાંડ સામે આવ્યું હતું. પડતર જમીન પર ગેરકાયદેસર દબાણ કરાયું હોવાનું ખુલતા તપાસ વધુ ઝડપી બની હતી, જેમાં હજારો એકર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરાયું હોવાનું પણ ખુલ્યું છે. સમગ્ર પ્રકરણમાં ૧૮ જેટલાં કેસ ચોર્યાસી મામલતદાર સમક્ષ આવ્યા હતા. જેમાં ૧૦ કેસ ચાલી જતા મામલતદારે મસમોટો ૧૮ કરોડનો દંડ ફટકાર્યો છે.