Last Updated on by Sampurna Samachar
ઈંધણ કટ-ઓફનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે અતિ દુર્ભાગ્યપૂર્ણ કહ્યું
એર ઇન્ડિયા છુપવી રહ્યુ છે ઘણી મહત્વની જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટમાં પાયલટના ઈંધણ કટ-ઓફનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે અતિ દુર્ભાગ્યપૂર્ણ કહ્યું છે. એક રિપોર્ટમાં પાયલટ દ્વારા એન્જિનનું ફ્યુલ બંધ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે, સાથે મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરી છે.

કોર્ટે ‘AI ૧૭૧ ક્રેશ’ મામલામાં સુપ્રીમ કોર્ટે પાયલટની ભૂલ વાળી વાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કેન્દ્ર સરકાર અને ડીજીસીએને આ ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરનારી અરજી પર જવાબ માંગ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિસ્વર સિંહની બેંચએ કહ્યુ કે નિષ્પક્ષ તપાસની માંગ યોગ્ય છે, પરંતુ તપાસ પૂર્ણ થાય તે પહેલા બધી જાણકારી જાહેર કરવામાં સમસ્યા થઈ શકે છે. જો સીધી રીતે કહેવામાં આવે કે પાયલટ દોષી છે તો તેના પરિવારને ભારે નુકસાન થશે.
હજુ સુધી માત્ર પ્રાથમિક રિપોર્ટ આવ્યો
આ સિવાય સુપ્રીમ કોર્ટે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો પાસે પણ જવાબ માંગ્યો છે. આ બ્યુરોએ જુલાઈમાં પોતાનો શરૂઆતી રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે દુર્ઘટનામાં ૨૫૦થી વધુ લોકોના મોત થયા છે. રિપોર્ટ પ્રમાણે કોકપિટ ઓડિયો રેકોર્ડિંગમાં કેપ્ટન સુમીત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરની વાતચીત સાંભળવા મળી હતી. તેમાં એક પાયલટે પૂછ્યુ તમે કટ ઓફ કેમ કર્યું? તો બીજાએ જવાબ આપ્યો, મેં નથી કર્યું. આ વાતચીતના આધાર પર તે અટકળો લગાવવામાં આવી કે દુર્ઘટના પાયલટની ભૂલને કારણે થઈ હતી.
એવિએશન સેફ્ટી સાથે જોડાયેલા NGO સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. તેનો આરોપ છે કે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટમાં ઘણી મહત્વની જાણકારી છુપાવી રહ્યું છે અને તેનાથી લોકોના જીવન, સમાનતા અને સાચી જાણકારી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. આ સિવાય તે પણ કહેવામાં આવ્યું કે રિપોર્ટની અંદર સિસ્ટમની ખામીઓને નજરઅંદાજ કરવામાં આવી છે. એનજીઓએ કહ્યું કે ઉતાવળમાં પાયલટને દોષી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અરજીકર્તા તરફથી વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યુ કે દુર્ઘટનાને ૧૦૦ દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી માત્ર પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. તેમાં તે ન જણાવવામાં આવ્યું કે હકીકતમાં શું થયું અને આગળ શું સાવચેતી રાખવી જોઈએ. વકીલે તે પણ કહ્યુ કે દુર્ઘટનાની તપાસ માટે બનેલી ૫ સભ્યોની ટીમમાં ૩ લોકોના જ કર્મચારી છે, એટલે કે જે સંગઠન પર સવાલ ઉઠી રહ્યાં છેત તે તપાસ કરી રહ્યાં છે. આ સ્પષ્ટ રીતે હિતોનો ટકરાવ છે.