Last Updated on by Sampurna Samachar
સરકારી શાળાઓમાં ભરતી કરવાની પ્રક્રિયામાં હતી ગરબડ
ભરતી માટે લોકો પાસેથી લાખો રૂપિયા વસુલ્યા હોવાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે પશ્વિમ બંગાળમાં મમતા બેનરજીની સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે શિક્ષણ ભરતી કૌભાંડ મામલે મોટો ઝટકો આપતાં સરકારી સ્કૂલોમાં ૨૫૦૦૦ શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી રદ કરવાના કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે.
કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે શિક્ષકોની નિમણૂક કરવાની પ્રક્રિયા યોગ્ય નહોતી. ઉલ્લેખનીય છે કે કોલકાતા હાઈકોર્ટે ૨૦૧૬ ની સંપૂર્ણ જોબ પેનલ જ રદ કરી નાખી હતી. ખરેખર આરોપ હતો કે ભરતી માટે લોકો પાસેથી ૫ થી ૧૫ લાખ રૂપિયા સુધીની વસૂલી કરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટે પણ ભરતી પ્રક્રિયામાં અનેક ગરબડ પકડી પાડી હતી.
ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ
સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) ના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં સીબીઆઈને ભરતી કૌભાંડની તપાસ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે ૨૩ લાખ જવાબવહીઓમાંથી કોની કોની ચકાસણી કરવામાં આવી હતી તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી. આ સાથે કોર્ટે પરીક્ષા સંબંધિત જવાબવહીઓના પુન:મૂલ્યાંકનનો પણ આદેશ આપ્યો હતો.
૨૦૧૬માં સ્ટેટ સ્કૂલ સર્વિસ કમિશનના માધ્યમથી થયેલી ભરતી માટે ૨૩ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ૨૫ હજારથી વધુ ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે આગામી ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં માનવીય આધાર પર એક દિવ્યાંગ કર્મચારીઓની નોકરી યથાવત્ રાખી છે. બાકીના દિવ્યાંગ કર્મચારીઓને નવી ભરતી પ્રક્રિયામાં થોડી રાહત આપવા પણ નિર્દેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે, કે અમે તથ્યોની સમીક્ષા કરી છે. સમગ્ર ભરતી પ્રક્રિયા જ હેરફેર અને છેતરપિંડીથી દૂષિત છે જેના કારણે વિશ્વસનીયતા સમાપ્ત થઈ ગઈ છે. નિયુક્ત થયેલા ઉમેદવારોએ અત્યાર સુધીનું વેતન પરત આપવાની જરૂર નથી.