Last Updated on by Sampurna Samachar
ખેડૂત વિરોધી ટિપ્પણી કરતા ભાજપ સાંસદ કંગના ફસાયા
માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કંગના રનૌતના માનહાનિના કેસને રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. જણાવી દઈએ કે, ખેડૂત આંદોલન દરમિયાન કંગના રનૌતે ખેડૂતો વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં કંગના રનૌત તરફથી દલીલ કરતી વખતે, તેમના વકીલે કહ્યું કે, તેણીએ ફક્ત એક ટ્વિટ રીટ્વીટ કરી હતી. ઘણા અન્ય લોકોએ પણ તે ટ્વિટ રીટ્વીટ કર્યું હતું. આ દલીલના જવાબમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ફક્ત રી-ટ્વીટ નહોતું, પરંતુ તમે તેમાં મસાલા ઉમેર્યા છે. આ ટ્રાયલનો વિષય છે, તેથી તમે તમારી વાત નીચલી કોર્ટમાં મુકો. જો તે બેન્ચમાં આવે તો ત્યાંથી ર્નિણય આવ્યા પછી જ આ મામલો વધુ તપાસવામાં આવશે.
કંગનાએ રિટ્વીટમાં તેના વિરુદ્ધ “ખોટા આરોપો” લગાવ્યા
ભાજપ સાંસદ કંગના રનૌતે બદનક્ષીભર્યા નિવેદનો કરવાના કેસમાં ફરિયાદ રદ કરવાની વિનંતી કરતી સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. આ કેસની સુનાવણી વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. બેન્ચે અરજી પર વિચાર કરવામાં અનિચ્છા દર્શાવ્યા બાદ, કંગનાના વકીલે અરજી પાછી ખેંચી લીધી છે.
અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગનાએ ૨૦૨૦-૨૧ના કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલન દરમિયાન એક મહિલા પ્રદર્શનકારી વિશે ટિપ્પણી કરતી પોતાની પોસ્ટ અંગેની માનહાનિની ફરિયાદને પડકારી હતી.
આ કેસમાં ફરિયાદી, મહિન્દર કૌર (૭૩), જે પંજાબના ભટિંડા જિલ્લાના બહાદુરગઢ જંડિયન ગામની રહેવાસી છે, તેણે જાન્યુઆરી ૨૦૨૧ માં ભટિંડામાં ફરિયાદ દાખલ કરી હતી. ભટિંડા કોર્ટમાં કરેલી પોતાની ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કંગનાએ રિટ્વીટમાં તેના વિરુદ્ધ “ખોટા આરોપો” લગાવ્યા હતા અને કહ્યું હતું કે, તે એ જ “દાદી” હતી જે શાહીન બાગ વિરોધનો ભાગ હતી. કંગનાના વકીલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, ભટિંડા કોર્ટનો સમન્સ આદેશ ટકાઉ નથી કારણ કે તે ફોજદારી કાર્યવાહી સંહિતાનું ઉલ્લંઘન કરે છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ૧ ઓગસ્ટના રોજ રનૌતની અરજી ફગાવી દેતા તેના આદેશમાં કહ્યું હતું કે, અરજદાર, જે એક સેલિબ્રિટી છે, સામે ચોક્કસ આરોપો છે કે, રિટ્વીટમાં તેણી દ્વારા કરવામાં આવેલા ખોટા અને બદનક્ષીભર્યા આરોપોએ પ્રતિવાદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે અને તેને ફક્ત તેની પોતાની નજરમાં જ નહીં પરંતુ અન્ય લોકોની નજરમાં પણ બદનામ કર્યો છે. તેથી, તેના અધિકારોનું રક્ષણ કરવા માટે ફરિયાદ દાખલ કરવી કોઈપણ રીતે બદનામી કહી શકાય નહીં.