Last Updated on by Sampurna Samachar
જો મોટાપાયે નામ બહાર કરવામાં આવશે તો અમે હસ્તક્ષેપ કરીશું
આગામી સુનાવણી ૧૨-૧૩ ઓગસ્ટે થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં વોટર લિસ્ટમાં SIR (સ્પેશ્યલ ઇન્ટેસિવ રિવિઝન) અભિયાન પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સલાહ આપતા કહ્યું કે, જો માસ એક્સક્લૂસન અથવા મોટી સંખ્યામાં નામ કટ કરવામાં આવ્યા તો કોર્ટે દખલગીરી કરવી પડશે. તમે એક બંધારણીય સંસ્થા છો, બંધારણ મુજબ ચાલો.‘ આ સિવાય કોર્ટે અરજદારોને વિશ્વાસ અપાવ્યો કે, મતદાર યાદીથી માસ લેવલ પર લોકોનું નામ કાપવામાં આવશે તો સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ મામલે આગળની સુનાવણી સુપ્રીમ કોર્ટ ૧૨-૧૩ ઓગસ્ટે કરશે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, ચૂંટણી પંચે કોર્ટને વિશ્વાસ અપાવ્યો છે, જો તે તેનાથી અલગ થાય છે તો અમે જરૂર હસ્તક્ષેપ કરીશું. અરજદારોએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તે ૧ ઓગસ્ટે પ્રકાશિત થયા બાદ ડ્રાફ્ટ સૂચિથી બાકી રહેતા લોકોને ચિહ્નિત કરે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, યાદીમાં નામ જોડવા અને સુધારા માટે ૩૦ દિવસની પ્રક્રિયા છે. જો મોટાપાયે નામ બહાર કરવામાં આવશે તો અમે હસ્તક્ષેપ કરીશું.
મોટી સંખ્યામાં લોકોને બાકાત રાખવામાં આવ્યા
ADR ના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, ફોર્મ સબમિટ ન કરનારા ૬૫ લાખ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરજદારોની આશંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો કે, ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં લોકોને બાકાત રાખવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે અરજદારોને આ મામલે ભૂમિકા ભજવવા કહ્યું અને કહ્યું કે, જ્યાં પણ કંઈ અલગ દેખાય તો કોર્ટને સૂચના આપો કોર્ટ હસ્તક્ષેપ કરશે.
ચૂંટણી પંચે દાવો કર્યો કે, આ યાદીમાં કાં તો મૃત્યુ પામેલા અથવા સ્થાયી રૂપે અન્ય કોઈ જગ્યાએ જતા રહેલા લોકો જ સામેલ છે. ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ કોર્ટને જણાવ્યું કે, આ હજુ સુધી ફક્ત ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કરાઈ છે. લોકો પોતાનો વાંધો નોંધાવી શકે છે. અંતિમ યાદી ૧૫ સપ્ટેમ્બરની આસપાસ આવી શકે છે.