Last Updated on by Sampurna Samachar
દેશમાં પ્રદૂષણ રોકવાની નીતિ લાગુ કરવા પર ભાર મૂક્યો
સમગ્ર દેશમાં લોકોને સ્વચ્છ હવા મળવાનો અધિકાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિને લઈને મહત્ત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, પ્રદૂષણ નિયંત્રણ નીતિ ફક્ત દિલ્હી માટે ન હોઈ શકે. જો રાષ્ટ્રીય રાજધાની વિસ્તારના શહેરોને સ્વચ્છ હવાનો અધિકાર છે, તો અન્ય શહેરોના લોકોને આ અધિકાર કેમ નથી? હવાનો અધિકાર ફક્ત દિલ્હી-NCR સુધી મર્યાદિત ન હોય શકે, પરંતુ દેશભરના નાગરિકોને મળવો જોઈએ.

CJI ગવઈએ કહ્યું કે, પ્રદૂષણ નિયંત્રણને લઈને નીતિ આખા ભારત માટે હોવી જોઈએ. હું ગત વર્ષે શિયાળામાં અમૃતસર ગયો હતો. ત્યાં પ્રદૂષણ દિલ્હી કરતાં પણ વધુ ખરાબ છે. જો ફટાકડા પર પ્રતિબંધ લાગે છે તો આખા દેશમાં લાગવો જોઈએ. પોતાનો અનુભવ શેર કરતા તેમણે આખા દેશમાં પ્રદૂષણ રોકવાની નીતિ લાગુ કરવા પર ભાર મૂક્યો.
આગ્રા અને સુરત સંયુક્ત રૂપે ત્રીજા નંબર પર
સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એ અરજીની સુનાવણી દરમિયાન કરી, જેમાં ૩ એપ્રિલ, ૨૦૨૫ના આદેશને પડકારવામાં આવ્યો હતો. અરજીમાં દિલ્હીમાં ફટાકડાના વેચાણ, સ્ટોરેજ, પરિવહન અને નિર્માણ કાર્ય પર સંપૂર્ણપણે પ્રતિબંધના આદેશને બદલવાની માંગ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન સીનિયર ઍડ્વોકેટ અપરાજિતા સિંહે દલીલ કરી હતી કે, ઉચ્ચ વર્ગ પોતાનું ધ્યાન રાખે છે.
પ્રદૂષણ થતા તે દિલ્હીમાંથી બહાર જતા રહે છે. અંતે, સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ સામેની અરજી પર એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને નોટિસ પાઠવી છે અને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધના કેસની સુનાવણી કરી હતી. ત્યારે આ પ્રતિબંધને મહત્ત્વપૂર્ણ ગણાવતાં કહ્યું હતું કે, પ્રતિબંધને થોડા મહિના સુધી મર્યાદિત રાખવાથી કોઈ હેતુ પૂરો નહીં થાય.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ હેઠળ વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં ઇન્દોર, અમરાવતી અને દેવાસ ટોચના સ્થાને છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, અનેક શહેરોએ ઔદ્યોગિક કેન્દ્ર હોવા અથવા કોલસાની ખાણ હોવા છતાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. આવતા વર્ષથી શહેરોમાં સ્થિત વોર્ડનું પણ વાયુ પ્રદૂષણ નિયંત્રણ પ્રયાસો માટે મૂલ્યાંકન કરવામાં આવશે. જેના માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવશે. ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઇન્દોર પહેલાં સ્થાને છે, તેમ છતાં જબલપુર પહેલા નંબરે રહ્યું. જોકે, આગ્રા અને સુરત સંયુક્ત રૂપે ત્રીજા નંબર પર છે.