Last Updated on by Sampurna Samachar
SC, ST અને OBC વિદ્યાર્થીઓની ફરિયાદોની તપાસ કરાશે
૨૦૧૨ના નિયમો ફરીથી લાગુ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે UGC ના નવા નિયમો પર સુનાવણી દરમિયાન મોટો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જ્યોમાલ્યા બાગચીની બેન્ચમાં આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, UGC ના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થવાનો ખતરો છે.

આ પછી કોર્ટે UGC ના નવા નિયમો પર સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોનો ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી ૧૯ માર્ચે હાથ ધરવામાં આવશે.
આગામી સુનાવણી ૧૯ માર્ચે કરાશે
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આદેશ આપતાં કહ્યું કે, ૨૦૧૨ના નિયમો ફરીથી લાગુ થશે. તેમણે કહ્યું કે, રેગ્યુલેશનમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનાથી એવું લાગે છે કે આ રેગ્યુલેશનનો દુરુપયોગ થઈ શકે છે. એટલે કે આ નિયમોનો દુરુપયોગ થઈ શકે છે.
જસ્ટિસ બાગચીએ કહ્યું કે, અમે સમાજમાં એક નિષ્પક્ષ અને સમાવેશી માહોલ બનાવવા પર વિચાર કરી રહ્યા છીએ. નોંધનીય છે કે, UGC ના નવા નિયમો વિરુદ્ધ મૃત્યુંજય તિવારી, એડવોકેટ વિનીત જિંદલ અને રાહુલ દીવાને અરજીઓ દાખલ કરી છે.

અરજદારના વકીલ વિષ્ણુ શંકર જૈને સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, અમે યુજીસી એક્ટની કલમ ૩(C)ને પડકારી રહ્યા છે અને તે બંધારણની વિરુદ્ધ છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ પછી પણ દેશ જાતિની જંજાળમાંથી બહાર નથી નીકળી શક્યો.
બીજી તરફ જસ્ટિસ જ્યોમાલ્યા બાગચીએ અમેરિકાની સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે “મને આશા છે કે આપણે એવી સ્થિતિ સુધી નહીં પહોંચીએ જ્યાં અમેરિકાની જેમ અલગ-અલગ શાળાઓ હોય, જ્યાં એક સમયે અશ્વેત અને શ્વેત બાળકોને અલગ-અલગ શાળાઓમાં ભણવું પડતું હતું.”
૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને નવા નિયમો જાહેર કર્યા હતા, જેનું નામ છે પ્રમોશન ઑફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન્સ, ૨૦૨૬. આ નિયમનો મુખ્ય હેતુ કોલેજ અને યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવાનો હતો.
ખાસ કરીને SC, ST અને OBC વિદ્યાર્થીઓને ત્રાસ, અપમાન કે અસમાન વર્તનથી બચાવવાનો. આ માટે દરેક કોલેજ-યુનિવર્સિટીને ઇક્વિટી કમિટી, ઇક્વોલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર, ૨૪ કલાકની હેલ્પલાઇન અને મોનિટરિંગ ટીમ બનાવવાની સૂચના આપવામાં આવી હતી.
નિયમો મુજબ, આ ટીમ SC, ST અને OBC વિદ્યાર્થીઓની ફરિયાદોની તપાસ કરશે. સરકારનું કહેવું છે કે આ ફેરફારો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નિષ્પક્ષતા અને જવાબદારી લાવવા માટે કર્યા છે. જોકે, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ અને કેટલાક સંગઠનો-સંસ્થાઓએ આ નિયમોનો વિરોધ કર્યો હતો.
દેશભરમાં નિયમોને લઈને વિરોધ થવા લાગ્યો હતો. આ નિયમો સામે દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા હતા. UGC ઓફિસ બહાર વિદ્યાર્થીઓએ ધરણા કર્યા હતા. કેટલાક જનરલ કેટેગરીના લોકોએ રાજીનામાં પણ આપ્યા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોનું કહેવું હતું કે સવર્ણ વિદ્યાર્થીઓને ‘સ્વાભાવિક અપરાધી’ બનાવી દેવામાં આવ્યા છે.
નવા નિયમો કોલેજ કે યુનિવર્સિટી કેમ્પસમાં તેમની વિરુદ્ધ ભેદભાવને પ્રોત્સાહન આપી શકે છે. તેનાથી કોલેજોમાં અરાજકતા પેદા થશે. જોકે, આ નિયમોનો ભારે વિરોધ થયા બાદ સુપ્રીમ કોર્ટે હવે નવા નિયમ પર સ્ટે લગાવી દીધો છે.
CJI સૂર્યકાંતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને આવી પરિસ્થિતિનો તોફાની તત્વો દ્વારા દુરુપયોગ થઈ શકે છે. તેમણે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ટકોર કરતાં કહ્યું કે, કેટલાક પ્રતિષ્ઠિત લોકોની એક સમિતિ બનાવવા પર વિચાર કરો. જે મુદ્દાની સમીક્ષા કરે જેથી સમાજમાં કોઈ પણ પ્રકારના વિભાજન વગર આગળ વધી શકીએ અને સૌનો વિકાસ થાય.
અન્ય એક અરજી કરનારા વકીલે કહ્યું કે, જો હું એક સામાન્ય વર્ગનો વિદ્યાર્થી છું. કોલેજમાં સિનિયરને મને જોઈને ખબર પડી જશે કે હું ફ્રેશર છું. પછી મારી રેગિંગ થશે. જો તે સિનિયર SC- ST વર્ગનો હશે તો મારે જ કાર્યવાહીનો સામનો કરવો પડશે.
મારી પાસે તો કોઈ સહારો નહીં રહે. આગોતરા જામીનનો કોઈ વિકલ્પ નથી, કારણ કે સરકારે પહેલેથી જ કાયદા બદલી નાંખ્યા છે. વિદ્યાર્થીનું કરિયર સમાપ્ત થઈ જશે. કેસની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ધોરણે આદેશ આપ્યા છે કે જૂના ૨૦૧૨ના જ નિયમો ફરીથી લાગુ કરાશે. જૂના નિયમો નવા નિયમો કરતાં વધુ સંતુલિત છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નોટિસ જાહેર કરી છે. આગામી સુનાવણી ૧૯ માર્ચે કરાશે જ્યાં સમિતિની રચના તથા નિયમોની વ્યાખ્યા મુદ્દે આદેશ અપાશે.