Last Updated on by Sampurna Samachar
તેલંગાણાના મુખ્યમંત્રી સામેની અરજી ફગાવી
હાઈકોર્ટના ર્નિણયને પડકારવામાં આવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સામેની અરજી ફગાવી દીધી છે, જેમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી દરમિયાન અનામત પર ભાજપ વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓને કારણે તેમની સામે થયેલા કેસને રદ કરવાના હાઈકોર્ટના ર્નિણયને પડકારવામાં આવ્યો હતો.
ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે આ કેસને ફગાવી દેતાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટને રાજકીય લડાઈ લડવાનું મંચ બનાવવું ન જોઈએ. જો તમે રાજકારણી છો, તો તમારે આવી બધી બાબતો સહન કરવા માટે જાડી ચામડી રાખવી જોઈએ. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે કહ્યું કે, અમે આ મામલામાં દખલ કરવા માટે ઈચ્છુક નથી. અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ કોર્ટનો ઉપયોગ રાજકીય લડાઈ માટે ન કરો. અરજી ફગાવી દેવામાં આવે છે. જો તમે રાજકારણી છો, તો તમારે જાડી ચામડી રાખવી જોઈએ.
સત્તાના અભાવમાં ફરિયાદ વિચારણાને લાયક નથી
ભાજપની તેલંગાણા શાખાએ મે ૨૦૨૪માં રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે પાર્ટી વિરુદ્ધ અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. દાવો કરવામાં આવ્યો હતો કે મુખ્યમંત્રી રેડ્ડીએ તેલંગાણા કોંગ્રેસ સાથે મળીને એક ખોટી અને શંકાસ્પદ રાજકીય વાત ઊભી કરી હતી કે જો ભાજપ સત્તા પર આવશે, તો તે અનામત ખતમ કરી દેશે. ફરિયાદકર્તાએ દાવો કર્યો કે આ કથિત અપમાનજનક ભાષણથી એક રાજકીય પક્ષ તરીકે ભાજપની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે.
એક નીચલી કોર્ટે ગયા વર્ષે ઓગસ્ટમાં કહ્યું હતું કે રેડ્ડી વિરુદ્ધ તત્કાલીન ભારતીય દંડ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૨૫ હેઠળ માનહાનિનો પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે. કલમ ૧૨૫ ચૂંટણીના સંબંધમાં વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે. રેડ્ડીએ નીચલી કોર્ટના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો અને દલીલ કરી કે ફરિયાદમાં લગાવેલા આરોપો તેમના વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કોઈ કેસ બનાવતા નથી. તેમણે દલીલ કરી કે રાજકીય ભાષણોને માનહાનિનો વિષય બનાવી શકાય નહીં.
હાઈકોર્ટે બાદમાં ટિપ્પણી કરી, ભલે આ કોર્ટ એ સ્વીકારી લે કે ફરિયાદકર્તા ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય એકમનો સભ્ય છે અને તેને ભારતીય જનતા પાર્ટીનો સભ્ય માની શકાય છે, તેમ છતાં સત્તાના અભાવમાં ફરિયાદ વિચારણાને લાયક નથી.
કોર્ટે કહ્યું હતું કે ન તો ફરિયાદકર્તા કે ન તો તેના પ્રતિનિધિને ભાજપના રાષ્ટ્રીય એકમ તરફથી ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે કહ્યું, રાજકીય ભાષણોને ઘણીવાર વધારીને રજૂ કરવામાં આવે છે. આવા ભાષણો માનહાનિકારક છે એવો આરોપ લગાવવો, એક વધુ અતિશયોક્તિ છે. રેડ્ડીની અરજી સ્વીકારતાં હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશ અને કેસ સંબંધિત કાર્યવાહીને રદ કરી દીધી હતી.