Last Updated on by Sampurna Samachar
આધાર કાર્ડ, વોટર ID અને રેશન કાર્ડ સ્વીકારવા બાબતે કર્યા સવાલ
અમને રેશનકાર્ડ સ્વીકારવામાં મુશ્કેલી પડી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે બિહારમાં જાહેર કરાયેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પર સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ (ECI) ને સવાલ કર્યો હતો કે, મતદાર ઓળખ માટે આધાર કાર્ડ, વોટર ID અને રેશન કાર્ડ કેમ સ્વીકારવામાં આવી રહ્યા નથી. નોંધનીય છે કે, કોર્ટે ચૂંટણી પંચને આ ડોક્યુમેન્ટનો સમાવેશ કરવા અને જવાબ આપવા જણાવ્યું છે.

અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચે સુનાવણીમાં કહ્યું કે, જો ફેક ડોક્યુમેન્ટની વાત કરીએ તો પૃથ્વી પર એવો કોઈ ડોક્યુમેન્ટ નથી જેની નકલ ન કરી શકાય. તો પછી તમારા ૧૧ ડોક્યુમેન્ટનો આધાર શું છે ?
કાયમી અને વર્તમાન બંને સરનામાં પર નોંધાયેલા
સુનાવણી દરમિયાન ચૂંટણી પંચના વકીલે જણાવ્યું હતું કે, અમને રેશનકાર્ડ સ્વીકારવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે મોટા પાયે નકલી રેશનકાર્ડ છે. અમે કહી રહ્યા છીએ કે આધાર નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ ઓળખના પુરાવા તરીકે આઘાર સબમિટ કરી શકાય છે. અમારા ફોર્મમાં કહેવામાં આવ્યું છે કે તમારો આધાર નંબર આપો.
અરજીદારોના વકીલ ગોપાલ શંકર નારાયણે ડ્રાફ્ટ મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપવા પર રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે, ડ્રાફ્ટ યાદી તેમના અધિકારોને અસર કરતી નથી અને જો જરૂર પડશે તો તે સમગ્ર પ્રક્રિયાને રદ કરી શકે છે.
સુનાવણી સુધી મુલતવી રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આગામી તારીખે વિગતવાર સુનાવણી માટે સમય નક્કી કરશે. ત્યારબાદ જ અમે ડ્રાફ્ટ શેડ્યૂલ વિશે વાત કરીશું. ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામાં પર નોંધાયેલા છે.