Last Updated on by Sampurna Samachar
ચૂંટણી પંચ દૂર કરવામાં આવેલા ૬૫ લાખ મતદારોની વિગતો રજૂ કરે
દરેક પ્રભાવિત મતદારનો સંપર્ક કરી જરૂરી માહિતી મેળવીશું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બિહાર SIR ડ્રાફ્ટમાંથી બહાર કાઢવામાં આવેલા મતદારોની યાદીની વિગતો નવ ઓગસ્ટ સુધી રજૂ કરવા આદેશ આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાં, જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે ચૂંટણી પંચના વકીલને કહ્યું છે કે, ચૂંટણી પંચ દૂર કરવામાં આવેલા ૬૫ લાખ મતદારોની વિગતો રજૂ કરે, તેમજ તેને બિનસરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સમક્ષ રજૂ કરે.
બિહારમાં મતદારોની યાદીનું વિશેષ ગહન પુન:નિરીક્ષણનું નિર્દેશ કરનારા ચૂંટણી પંચના ૨૪ જૂનના સૂચનને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. અરજીમાં એડીઆરે જણાવ્યું હતું કે, જેમનું નામ મતદારોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યુ હોય, તેમની વિગતો કારણ સાથે રજૂ કરો કે, તેઓ મૃત છે, પલાયન કરી ગયા છે અથવા અન્ય કોઈ કારણસર તેમના નામ પર વિચારણા થઈ રહી નથી.
૧૨ અને ૧૩ ઓગસ્ટના રોજ સુનાવણી કરાશે
એડીઆર તરફથી રજૂ વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે, નામ દૂર કરવા બદલનું કારણ દર્શાવવામાં આવે, કારણકે આ માત્ર એક ડ્રાફ્ટ યાદી છે.રાજકીય પક્ષોને દૂર કરવામાં આવેલા મતદારોની યાદી આપવામાં આવી છે. પરંતુ કારણ જણાવ્યું નથી. વધુમાં બેન્ચે આરોપ લગાવ્યો હતો કે, મતગણતરી ફોર્મ ભરનારા ૭૫ ટકા મતદારોએ ૧૧ દસ્તાવેજોની યાદીમાં ઉલ્લેખિત કોઈપણ સહાયક દસ્તાવેજો રજૂ કર્યા નથી અને તેમના નામ ચૂંટણી પંચના બૂથ લેવલ ઓફિસરની ભલામણ પર સામેલ કરવામાં આવ્યા હતા.
બેન્ચે ચૂંટણી પંચના વકીલને કહ્યું, અમે દરેક પ્રભાવિત મતદારનો સંપર્ક કરીશું અને જરૂરી માહિતી મેળવીશું. તમે (ચૂંટણી પંચ) જવાબ દાખલ કરો, પછી અમે જોઈશું કે શું જાહેર થયું છે અને શું નથી. ૧૨ ઓગસ્ટના રોજ ચૂંટણી પંચના ૨૪ જૂનના આદેશને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ રહી છે અને NGO તે દિવસે આ મામલે દાવા કરી શકે છે.
ચૂંટણી પંચને કાયદા અનુસાર કાર્ય કરતી બંધારણીય સત્તા તરીકે વર્ણવતા સુપ્રીમ કોર્ટે ૨૯ જુલાઈના રોજ કહ્યું હતું કે જો બિહારમાં મતદાર યાદીના SIR માં મોટા પાયે નામો કાઢી નાખવામાં આવ્યા હશે, તો તે તાત્કાલિક હસ્તક્ષેપ કરશે.બિહારમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા માટે બેન્ચે સમય મર્યાદા નક્કી કરી હતી અને કહ્યું હતું કે આ મુદ્દા પર ૧૨ અને ૧૩ ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે