Last Updated on by Sampurna Samachar
નવેમ્બરમાં કોર્ટે આપેલા આદેશ પર રોક લગાવી
સર્વે અને રિસર્ચ માટે એક નવી કમિટી બનાવવાની થઇ વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અરવલ્લી ગિરીમાળામાં ખનન સંબંધિત મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લેતા સુનાવણી થઇ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વમાં જસ્ટિસ જે કે માહેશ્વરી અને એજી મસીહ સહિત ત્રણ જજની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી.

બેન્ચે સુનાવણી દરમિયાન નવેમ્બરમાં પોતાના દ્વારા જ અપાયેલા એક આદેશ પર હાલ રોક લગાવી છે. કારણ કે કેટલાક સામાજિક કાર્યકરો અને વૈજ્ઞાનિકોનો એવો આરોપ હતો કે આ ર્નિણયથી નાજુક ઈકોસિસ્ટમના વિશાળ એવા વિસ્તારોમાં ખનનની મંજૂરી મળી શકે છે. આ સાથે જ સર્વે અને રિસર્ચ માટે એક નવી કમિટી બનાવવાની પણ વાત કરવામાં આવી છે.
આગામી સુનાવણી ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થશે
ચીફ જસ્ટિસે કહ્યું કે અરવલ્લી પહાડો સંલગ્ન રિપોર્ટ કે કોર્ટના જૂના આદેશને લાગૂ કરતા પહેલા એક નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ જરૂરી છે. જેથી કરીને કેટલાક મહત્વના સવાલોના જવાબ મળી શકે.
– શું અરવલ્લીની વ્યાખ્યાને ફક્ત ૫૦૦ મીટર સુધી મર્યાદિત કરવું ખોટું છે? એટલે કે તેના સંરક્ષણવાળો વિસ્તાર નાનો તો નથી થઈ રહ્યો?
– શું આ વ્યાખ્યાથી અરવલ્લીના બહારના વિસ્તારોમાં ખનન (માઈનિંગ)નો દાયરો વધી ગયો છે?
– વચ્ચે વચ્ચે જે ખાલી જગ્યા (ગેપ) છે ત્યાં ખનની મંજૂરી આપવામાં આવે કે નહીં? દાખલા ત રીકે જો બે સંરક્ષિત વિસ્તાર છે અને તેમની વચ્ચે ૭૦૦ મીટરનો ગેપ છે તો તે ગેપનું શું થશે?
– પર્યાવરણની નિરંતરતા કેવી રીતે બચાવવામાં આવે? એટલે કે જંગલ, પહાડ અને જીવ જંતુઓનું કુદરતી સંતુલન કેવી રીતે જળવાય?
– જો નિયમોમાં કોઈ મોટી ખામી મળી ઓ તો શું આખી અરવલ્લીની ગિરીમાળાને બચાવવા માટે ફરીથી ઊંડાણપૂર્વક રિસર્ચ જરૂર પડશે?
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ભ્રમ દૂર કરવાની વાત કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કહ્યું કે કોર્ટની કેટલીક ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરાઈ રહી છે. જેના પર સ્પષ્ટતા જરૂરી છે. તેમણે કહ્યું કે ૨૦ નવેમ્બરના આદેશને લાગૂ કરતા પહેલા એક નિષ્પક્ષ અને ઠોસ રિપોર્ટ જરૂરી છે. તેમણે અરવલ્લી પહાડીઓ અને રેન્જની વ્યાખ્યા, ૫૦૦ મીટરથી વધુ અંતરની સ્થિતિ, માઈનિંગ પર રોક કે મંજૂર અને તેના દાયરાને લઈને ગંભીર અસ્પષ્ટતાઓને ઉકેલવા પર ભાર મૂક્યો.
આ સાથે કોર્ટે સ્પષ્ટ કર્યું કે અરવલ્લીની પહાડીઓ સંલગ્ન ૨૦ નવેમ્બરના આદેશને આગામી સુનાવણી સુધી લાગૂ કરી શકાશે નહીં. કોર્ટે આ મામલે આગામી સુનાવણી ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નક્કી કરી છે. ત્યાં સુધી યથાસ્થિતિ જળવાઈ રહેશે અને તમામ પહેલુઓ પર વિસ્તૃત રીતે વિચાર કરાશે.