આ મામલાની આગામી સુનાવણી સાત જાન્યુઆરીએ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન જણાવ્યું કે આરક્ષણ ધર્મના આધારે આપી શકાય નહીં. કોર્ટ પશ્ચિમ બંગાળ સરકાર તરફથી દાખલ કરાયેલી એક અરજી પર સુનાવણી કરી રહ્યું હતું, જેમાં કલકત્તા હાઈકોર્ટના ૨૦૧૦ના ચુકાદાને પડકાર્યો હતો. રાજ્યમાં જે જાતિઓને અન્ય પછાત વર્ગ (OBC )નો દરજ્જો આપવામાં આવ્યો હતો, તેને હાઈકોર્ટે બિન-કાનૂની જાહેર કર્યો હતો.
અરજી પર સુનાવણી જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેંચે કરી. બેંચે જણાવ્યું, અનામત ધર્મના આધારે નહીં આપી શકાય. પશ્ચિમ બંગાળ સરકાર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, ‘આ ધર્મના આધારે નહીં, પણ પછાત પણાના આધારે છે.’ પશ્ચિમ બંગાળમાં ઘણી જાતિઓને OBC દરજ્જો આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે તેને ગેરકાયદેસર ગણાવીને રદ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે જાહેર નોકરીઓ અને રાજ્ય-સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં આ જાતિઓ માટે આરક્ષણ ગેરકાયદેસર હતું.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એ પણ જણાવ્યું હતું કે આ સમુદાયોને OBC જાહેર કરવા માટે ધર્મ એ એકમાત્ર પાયાનો પરિમાણ લાગે છે. સાથે જ, ૭૭ મુસ્લિમ જાતિઓને પછાત જાહેર કરવાનું સમગ્ર મુસ્લિમ સમુદાયનું અપમાન છે. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જેઓને આ જાતિઓના આરક્ષણનો લાભ પહેલેથી મળી ચૂક્યો છે, તેમની સેવાઓ કે પસંદગી પ્રક્રિયા પર આ ચુકાદાનો કોઈ પ્રભાવ પડશે નહીં. હાઈકોર્ટે એપ્રિલ ૨૦૧૦ થી સપ્ટેમ્બર ૨૦૧૦ સુધી ૭૭ જાતિઓને આપવામાં આવેલા અનામતને રદ કરી હતી. ઉપરાંત, ૨૦૧૨ના પશ્ચિમ બંગાળ પછાત વર્ગ કાયદા હેઠળ આપવામાં આવેલા ૩૭ જાતિઓ માટેના OBC અનામત રદ કરી હતી.
સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વકીલોને મામલાની વિગતવાર માહિતી આપવા કહ્યું. કપિલ સિબ્બલે કહ્યું, આ ખૂબ ગંભીર મામલો છે, જે હજારો વિદ્યાર્થીઓ અને નોકરી ઇચ્છતા લોકોના અધિકારોને પ્રભાવિત કરે છે. સિબ્બલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે તે હાઈકોર્ટના ચુકાદા પર અંતરિમ આદેશ જારી કરે અને તેના પર અસ્થાયી રોક મૂકે. સુપ્રીમ કોર્ટે અન્ય વકીલોની પણ દલીલ સાંભળી, જેમાં વરિષ્ઠ વકીલ પી.એસ. પટવાલિયા પણ શામિલ હતા, જે મામલામાં કેટલાક પ્રતિવાદીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તે સાત જાન્યુઆરીએ આ મામલાની સુનાવણી કરશે.