ED ગોપનીયતાના મૂળભૂત અધિકારનું રક્ષણ કરે તેવી માંગ સુપ્રિમ કોર્ટે કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માટે તપાસ પ્રક્રિયામાં લક્ષ્મણ રેખા દોરી છે. કોર્ટે લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન કેસમાં ર્નિણય આપતાં કહ્યું છે કે, તપાસ એજન્સી ED કોઈના લેપટોપ કે મોબાઇલ ફોનમાંથી ડેટા એક્સેસ કરી શકે નહીં. ED એ આ કેસની તપાસમાં ૬ રાજ્યોમાં ૨૨ સ્થળો પર દરોડા પાડ્યા હતા અને સેન્ટિયાગો માર્ટીનના સંબંધીઓ અને નજીકના મિત્રો પાસેથી અનેક પ્રકારના ઈલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા હતા. મેઘાલય પોલીસની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટેલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યમાં લોટરીનો ધંધો ગેરકાયદેસર રીતે કબજે કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ દરોડામાં ૧૨.૪૧ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.
આ કિસ્સામાં, અરજદારોએ તેમના બંધારણીય અને મૂળભૂત અધિકારો, ખાસ કરીને ગોપનીયતાના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાની માંગ કરી છે. તેમણે દલીલ કરી હતી કે વ્યક્તિગત ડિજિટલ ડિવાઇસમાં સેવ કરેલી માહિતી ખૂબ જ વ્યક્તિગત છે. તેમજ કોઈ વ્યક્તિના જીવન વિશે કોઈપણ વસ્તુ કરતાં વધુ ગોપનીય છે. આથી આ બાબતે ગોપનીયતાના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ED ને સેન્ટિયાગો માર્ટિનના મોબાઇલ ફોન અને તેની કંપનીના કર્મચારીઓ સાથે સંબંધિત કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઇ’સના ડેટાને એક્સેસ કે કોપી ન કરવા જણાવ્યું હતું. કોર્ટે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ હેઠળ ED દ્વારા જારી કરાયેલા સમન્સ પર પણ રોક લગાવી દીધી છે. હવે જ્યારે સંબંધિત વ્યક્તિ તેમની સામે હાજર હોય ત્યારે જ ED જપ્ત કરાયેલા ડિજિટલ ડિવાઇસમાંથી ડેટા એક્સેસ કરી શકે છે.
સેન્ટિયાગો માર્ટિનની કંપની ફ્યુચર ગેમિંગ ચૂંટણી બૉન્ડની સૌથી મોટી ખરીદનાર હતી. તેણે ૨૦૧૪ અને ૨૦૧૯ વચ્ચે રૂ. ૧૩૬૮ કરોડના બૉન્ડ ખરીદ્યા હતા. ફ્યુચર ગેમિંગે તૃણમૂલ કોંગ્રેસને સૌથી વધુ ૫૪૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. DMK બીજા સ્થાને હતું જેને રૂ. ૫૦૩ કરોડ મળ્યા હતા. જ્યારે YSR એ કોંગ્રેસને ૧૫૪ કરોડ રૂપિયા અને ફ્યુચર ગેમિંગે ભાજપને ૧૦૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
૩ ડિસેમ્બરે જસ્ટિસ અભય એસ. ઓકા અને જસ્ટિસ પંકજ મિત્તલની ખંડપીઠે આ કેસ પર ચુકાદો આપ્યો હતો. ફ્યુચર ગેમિંગ કેસની સુનાવણી અન્ય કેસો સાથે થશે. પિટિશનમાં ફ્યુચર ગેમિંગ દ્વારા ઉલ્લેખિત ચાર કેસમાં એમેઝોન ઇન્ડિયાના કર્મચારીઓ સાથે સંકળાયેલા કેસનો સમાવેશ થાય છે. જેમાં એમેઝોન ઇન્ડિયાના કર્મચારીઓએ ઈડીની ઇલેક્ટ્રોનિક ડિવાઇસની માંગને પડકારી હતી.