Last Updated on by Sampurna Samachar
બિલની ડેડલાઈન તથા ‘પાવર’ મુદ્દે ૧૪ સવાલ પૂછ્યા
બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલ પર ર્નિણય લેવામાં આવે છે, અત્યાર સુધી બિલ પર મહોર મારવા માટે કોઈ સમયમર્યાદ ન હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ૮ એપ્રિલના રોજ ઐતિહાસિક ર્નિણય લઈને સમયમર્યાદા નિર્ધારીત કરવાનો ર્નિણય લીધો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મૂએ સુપ્રીમ કોર્ટના ર્નિણયનો વિરોધ કરી બિલની ડેડલાઈન તથા ‘પાવર’ મુદ્દે ૧૪ સવાલ પૂછ્યા હતા.
જોકે સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ર્નિણય પર ફેર વિચારણા શરૂ કરી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેંચ રાષ્ટ્રપતિના ૧૪ સવાલો મામલે સુનાવણી હાથ ધરી કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આગામી સુનાવણી ઓગસ્ટના મધ્યમાં હાથ ધરવામાં આવશે.
ઓગસ્ટના મધ્યમાં આગામી સુનાવણી હાથ ધરાશે
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ર્નિણય લઈને રાષ્ટ્રપતિ-રાજ્યપાલોને કોઈપણ વિધેયકને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નિર્ધારીત કરવા કહ્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રપતિએ કોર્ટના ર્નિણય પર સવાલ ઉઠાવ્યા હતા. હવે રાષ્ટ્રપતિના ૧૪ સવાલો મામલે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ, ન્યાયાધીશ સૂર્ય કાંત, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ પી.એસ.નરસિમ્હા અને ન્યાયાધીશ એ.એસ.ચંદૂરકરની બેંચે ઓગસ્ટના મધ્યમાં આગામી સુનાવણી હાથ ધરવાનો ર્નિણય લીધો છે.
સુપ્રીમના ઐતિહાસિક ર્નિણય બાદ રાષ્ટ્રપતિએ શું કહ્યું હતું?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ ૧૪૩(૧) હેઠળ સુપ્રીમ કોર્ટને સવાલ કર્યો હતો કે, શું સુપ્રીમ કોર્ટ કલમ ૨૦૧ હેઠળ રાજ્યપાલો દ્વારા અનામત રાખવામાં આવેલા બિલ પર ર્નિણય લેવા માટે રાષ્ટ્રપતિ માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી શકે છે? જોકે, બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી. ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધાના બીજા જ દિવસે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ સામે મોટો સવાલ ઊભો કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ વિ. ગવર્નર કેસમાં ૮ એપ્રિલે ચૂકાદો આપ્યો હતો કે, રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ કોઈ બિલને અનિશ્ચિતકાળ સુધી રોકી શકે નહીં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ ૧૪૩(૧) હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટને પાંચ પાનાના રેફરન્સમાં ૧૪ સવાલ કર્યા છે. આ સાથે રાષ્ટ્રપતિએ વિધાનસભા અને સંસદ દ્વારા પસાર કરેલા બિલો અંગે કલમ ૨૦૦ અને કલમ ૨૦૧ હેઠળ રાજ્યપાલ, રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મત માગ્યો છે.
સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કોઈપણ સવાલોનો અથવા બધા સવાલોનો જવાબ આપવાનો ઈનકાર કરી શકે છે. કલમ ૨૦૦ રાજ્ય વિધાનસભા દ્વારા બિલ પસાર કરવા સંબંધિત પરિસ્થિતિઓ અને રાજ્યપાલ પાસે સંમતિ આપવા અથવા સંમતિ રોકવા અથવા બિલને પુન: વિચારણા માટે રાષ્ટ્રપતિને મોકલવા સંબંધેના વિકલ્પો અંગે છે. કલમ ૨૦૧ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને વિચારણા માટે અનામત રાખેલા બિલો સંબંધે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટને પૂછ્યા આ ૧૪ પ્રશ્નો
- કલમ ૨૦૦ હેઠળ કોઈ બિલને રજૂ કરવા પર રાજ્યપાલ સમક્ષ બંધારણીય વિકલ્પો કયા છે?
- શું રાજ્યપાલે કોઈ બિલ રજૂ થતા મંત્રીપરિષદની સલાહ ફરજિયાત માનવી જ પડે?
- કલમ ૨૦૦ હેઠળ રાજ્યપાલ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે કે નહી?
- કલમ ૩૬૧ શું રાજ્યપાલના કાર્યોની ન્યાયિક સમીક્ષા પર પૂર્ણ પ્રતિબંધ લગાવે છે?
- શું રાજ્યપાલ માટે કો બિલ પર કાર્યવાહી માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય છે?
- કલમ ૨૦૧ હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે કે નહીં?
- શું રાષ્ટ્રપતિ દ્વારા વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય?
- શું રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ પાસે બિલ મોકલવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ પાસેથી મત લેવો ફરજિયાત છે?
- શું કલમ ૨૦૦ અને ૨૦૧ હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના ર્નિણય કાયદાના અમલી બનતા પહેલા ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે? શું બિલને કાયદો બનતા પહેલા તેની સામગ્રી પર કોર્ટ વિચાર કરી શકે છે?
- શું કલમ ૧૪૨ હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના બંધારણીય આદેશોને બદલી શકે છે?
- રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કાયદા શું રાજ્યપાલની સ્વીકૃતિ વિના અમલી માની શકાય?
- શું કલમ ૧૪૩(૩) હેઠળ કોઈ બંધારણીય પ્રશ્ન પર વિચાર માટે સુપ્રીમ કોર્ટની લઘુત્તમ પાંચ ન્યાયાધીશોવાળી બેન્ચનું હોવું અનિવાર્ય છે?
- શું કલમ ૧૪૨ હેઠળ સુપ્રીમ કોર્ટની શક્તિઓ માત્ર પ્રક્રિયા સુધી મર્યાદિત છે અથવા સબટેન્ટિવ કાયદાથી વિપરિત આદેશ પણ આપી શકે છે?
- શું બંધારણની કલમ ૧૩૧ હેઠળ દાખલ કેસ ઉપરાંત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદોના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના અન્ય કોઈ અધિકાર ક્ષેત્ર પર પ્રતિબંધ છે?
અહીંથી શરૂ થયો હતો વિવાદ. તમિલનાડુ સરકારે અનામત બિલ પર રાજ્યપાલ આર.એન.રવિ તરફથી મંજૂરી આપવાનો ઈનકાર કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ૮ એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરી રાજ્યપાલ આરએન રવિના બિલોને પેન્ડિંગ રાખવાના ર્નિણયને નકારી કાઢ્યો હતો અને પહેલી વખત રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભા અથવા સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બિલોને મંજૂરી આપવા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે ચૂકાદામાં કહ્યું હતું કે, કલમ ૨૦૧ હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્ય ન્યાયિક સમીક્ષાને આધીન છે. આદેશમાં એમ પણ કહેવાયું કે, બંધારણની કલમ ૨૦૧ હેઠળ કોઈ બિલ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિએ તેને સહમતી આપવી જોઈએ અથવા અસહમતી વ્યક્ત કરવી જોઈએ. જોકે, બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમય મર્યાદા નિશ્ચિત કરાઈ નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ પાસે પોકેટ વીટોનો અધિકાર નથી. એટલે કે તેઓ અનિશ્ચિતકાળ સુધી પોતાના ર્નિણયને અનામત રાખી શકે નહીં.