Last Updated on by Sampurna Samachar
જમીનના બદલામાં નોકરી કૌભાંડ મામલે કોર્ટે સ્ટેનો કર્યો ઇનકાર
હાજર રહેવાથી મુક્તિ આપીને થોડી રાહત પણ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમીનના બદલામાં નોકરી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને RJD ના વડા લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે RJD ના વડા સામે નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે અને દિલ્હી હાઈકોર્ટને કેસની સુનાવણી ઝડપી બનાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને નીચલી કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવાથી મુક્તિ આપીને થોડી રાહત પણ આપી છે.
જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એન કોટેશ્વર સિંહની બેન્ચે લાલુ યાદવના જમીનના બદલામાં નોકરી કૌભાંડ કેસમાં દાખલ કરેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. લાલુ યાદવે દિલ્હી હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં દિલ્હી હાઇકોર્ટે જમીનના બદલામાં નોકરી કૌભાંડ કેસની ટ્રાયલ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
રાષ્ટ્રપતિએ લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી
દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, કાર્યવાહી રોકવાનું કોઈ નક્કર કારણ નથી તેમજ હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ આપી હતી અને સુનાવણી ૧૨ ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી. આ અંગે ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે આ મામલે સ્ટે ન આપવાનું કહીને અપીલ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, મુખ્ય કેસનો ર્નિણય થવા દો. જ્યારે હાઇકોર્ટ પહેલાથી જ આ મામલાની સુનાવણી કરી રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટને તેમાં દખલ કરવાની કોઈ જરૂર નથી.
લાલુ પ્રસાદ યાદવે પોતાની અરજીમાં CBI ની FIR અને ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪માં દાખલ કરાયેલા ત્રણ ચાર્જશીટ અને કોગ્નિઝન્સ ઓર્ડર રદ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ રિપોર્ટ ૧૪ વર્ષના વિલંબ પછી ૨૦૨૨માં દાખલ કરવામાં આવ્યો છે. એવામાં પહેલાની તપાસ અને તેનો ક્લોઝર રિપોર્ટ છુપાવીને નવી તપાસ શરૂ કરવી એ કાયદાકીય પ્રક્રિયાનો દુરૂપયોગ છે.
ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે લાલુ પ્રસાદ યાદવ વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે તેમણે સૌથી નીચલા સ્તરની નોકરીઓ આપવાના નામે મોટું કૌભાંડ કર્યું હતું. જેમાં લાલુ પ્રસાદ યાદવે રેલવેમાં નોકરી આપવાના નામે પોતાના પરિવારના સભ્યોના નામે જમીન અને મિલકત ટ્રાન્સફર કરાવી હતી. તેમજ જમીનના બદલામાં, મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરના રેલવે ઝોનમાં નોકરીઓ આપવામાં આવી હતી.
એજન્સીએ આ કેસમાં ૩૦ સરકારી અધિકારીઓ સહિત ૭૮ લોકોના નામ આપ્યા છે. CBI એ મે ૨૦૨૨ માં લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્રો, પુત્રીઓ અને પત્ની રાબડી દેવી સામે કેસ નોંધ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.