Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસે કેન્દ્ર સરકારના ચૂંટણી નિયમોમાં સંશોધન વિરુદ્ધ કરી અરજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી નિયમોમાં સંશોધનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકારના ચૂંટણી નિયમોમાં સંશોધન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. કોંગ્રેસે આશા વ્યક્ત કરી કે, સુપ્રીમ કોર્ટ ઝડપથી ખતમ થઈ રહેલી ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે. સામાન્ય લોકો ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોનું નિરીક્ષણ નહીં કરી શકશે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચૂંટણી સંબંધિત ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોના જાહેર નિરીક્ષણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સંશોધન બાદ હવે સામાન્ય લોકો ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોનું નિરીક્ષણ નહીં કરી શકશે. નવા નિયમ પ્રમાણે સરકારે CCTV કેમેરા અને વેબકાસ્ટિંગ ફૂટેજ તેમજ ઉમેદવારોના વિડિયો રેકોર્ડિંગ જેવા અમુક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોના જાહેર નિરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેનો હેતુ આ રેકોર્ડ્સના સંભવિત દુરુપયોગને રોકવાનો છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે નવા સંશોધનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા ઝડપથી ખતમ થઈ રહી છે. આશા છે કે સુપ્રીમ કોર્ટ તેને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે. જયરામ રમેશે X પર લખ્યું કે, ‘ચૂંટણી નિયમો-૧૯૬૧માં તાજેતરમાં કરવામાં આવેલા સંસોધનને પડકારતી એક રિટ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.’
જયરામ રમેશે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે. તેની પાસે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની જવાબદારી છે. પરંતુ એકપક્ષીય અને જાહેર પરામર્શ વિના કાયદામાં આવા બેશરમ સંશોધનને મંજૂરી ન આપી શકાય. તેમણે કહ્યું હતું કે આ સંશોધન ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને જવાબદાર બનાવે તેવી આવશ્યક માહિતીની જાહેર પહોંચને સમાપ્ત કરી દે છે.ભારતના ચૂંટણી પંચની ભલામણના આધારે કેન્દ્રીય કાયદા મંત્રાલયે શુક્રવારે ચૂંટણી નિયમો, ૧૯૬૧ના નિયમ ૯૩(૨) (છ)માં સંશોધન કર્યું હતું. આ અંતર્ગત ઈલેક્ટ્રોનિક રેકોર્ડની જાહેર તપાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.