Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્નાએ ચિંતા વ્યક્ત કરી
ન્યાયતંત્ર દેશના શાસન માટે એક અભિન્ન સંસ્થા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પર માત્ર એટલા માટે પુનર્વિચાર ન કરવો જોઈએ કારણ કે તે ચુકાદાઓ લખનારા જજ બદલાઈ ગયા છે. તેમણે આ ટિપ્પણી એવા કેસોના સંદર્ભમાં કરી હતી જ્યાં પાછળથી આવેલી બેન્ચ દ્વારા જૂના ર્નિણયોને પલટાવવાની પ્રથા વધી રહી છે.

હરિયાણાના સોનીપતમાં ઓ.પી. જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા પર આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં બોલતા, જસ્ટિસ નાગરત્નાએ ન્યાયિક સ્વતંત્રતાની વિકસિત સમજ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે એકવાર આપવામાં આવેલો ચુકાદો સમય જતાં ટકી રહેવો જોઈએ કારણ કે તે “શાહીથી લખાયેલો છે, રેતીથી નહીં.”
ન્યાયપાલિકામાં જનતાનો વિશ્વાસ પણ જળવાઈ રહે
જસ્ટિસ નાગરત્નાએ વધુમાં ઉમેર્યું કે, “કાનૂની વ્યવસ્થા અને શાસન સાથે જોડાયેલા તમામ લોકોનું એ કર્તવ્ય છે કે તેઓ ચુકાદાને તેના મૂળ સ્વરૂપમાં માન આપે. ફક્ત ચહેરા બદલાઈ જવાને કારણે તેને ફેંકી દેવાનો પ્રયાસ ન કરવો જોઈએ.” તેમણે કહ્યું કે ન્યાયતંત્ર દેશના શાસન માટે એક અભિન્ન સંસ્થા છે અને નિયમોનું ઉલ્લંઘન થાય ત્યારે કાયદાના શાસનને સુનિશ્ચિત કરવું એ ન્યાયપાલિકાનું કર્તવ્ય છે.
ન્યાયિક સ્વતંત્રતાને જાળવી રાખવા માટે તેમણે જજોના અંગત આચરણની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે એક જજનો વ્યવહાર શંકાથી પર હોવો જોઈએ અને નિષ્પક્ષ ન્યાયિક પ્રણાલી માટે રાજકીય રીતે અલગ રહેવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ નાગરત્નાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં ૨૬ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટની જ અન્ય એક બેન્ચે આ વધતી જતી પ્રથા પર ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું હતું કે ચુકાદાઓની અંતિમ માન્યતા જાળવી રાખવાથી માત્ર અનંત મુકદ્દમાબાજી અટકતી નથી, પરંતુ ન્યાયપાલિકામાં જનતાનો વિશ્વાસ પણ જળવાઈ રહે છે.